ઉત્તરાયણનો તહેવાર લોકો ધાબા પર પરિવાર સાથે જ ઉજવે અને મ્યુઝિક સિસ્ટમ વગર ઉજવણી કરે તેવી સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર વર્ષે રાજયના સૌથી મોટા પોલીસ બંદોબસ્ત એવા રથયાત્રા બંદોબસ્તમાં જેમ ધાબા પોઇન્ટ અને બાયનોક્યુલરસ (દૂરબીન)થી વોચ રાખવામાં આવે છે તેમ આ વર્ષે ઉત્તરાયણના તહેવાર પર દરેક વિસ્તારમાં ધાબા પોઇન્ટ મુકવા આવશે. વોકી ટોકી સાથે સજ્જ પોલીસકર્મીઓ દૂરબીનથી ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ લોકોનું ટોળું અને માસ્ક વગર દેખાશે એટલે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઝોન 3 ડીસીપી મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે પોળ વિસ્તારમાં પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે. ધાબા પર અને રસ્તા પર પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવશે. ધાબા પોઈન્ટ પર દૂરબીન વડે પોલીસકર્મીઓ ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ વધુ માણસો દેખાશે ત્યાં કાર્યવાહી કરશે. સરકારની તમામ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. રાજયના પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા રાજયના તમામ પોલીસ અધિકારીઓની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્તરાયણના તહેવાર અનુસંધાને સરકારની ગાઇડલાઇન તેમજ હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબ અસરકારક પાલન થાય તે રીતે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખી કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે અંગે પુરતી તકેદારી રાખવા તમામને સુચના આપવામાં આવી હતી. વિડીયો કોન્ફરન્સમાં ઉત્તરાયણ અંગે બહાર પાડવામાં આવેલ સરકારના જાહેરનામા મુજબ કોઇપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો/રસ્તાઓ વગેરે પર પતંગ ચગાવવા એકત્રીત ન થાય તે અંગે ઉત્તરાયણના આગળના દિવસે, ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણના દિવસે અસરકારક પોલીસ પેટ્રોલીંગ/બંદોબસ્ત રાખવો. ઉત્તરાયણના તહેવારમાં મકાન, ફલેટના ધાબા કે અગાશી ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રીત ન થાય તેમજ પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે ઉજવાય જેમાં માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન, ફલેટ કે ધાબા-અગાશી ઉપર એકત્રીત ન થાય અને ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડીસ્ટન્સનું ફરજીયાતપણે પાલન કરે તે સુનિશ્ચિત કરવા સુચના આપવામાં આવી હતી. કોઇપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેવા કોઇપણ લખાણો કે ચિત્રો પતંગ ઉપર ન દોરે તેમજ ધાબાઓ ઉપર લાઉડ સ્પીકર કે ડીજે મ્યુઝીક સીસ્ટમનો ઉપયોગ ન થાય તે અંગે પુરતી તકેદારી રાખવા પણ પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટ તથા NGTની સુચના અન્યવે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુકકલ, માંજા, પ્લાસ્ટીકની દોરી વિગેરે પર પ્રતિબંધ હોય, પતંગ તેમજ માંજાના વેચાણ સ્થળો ઉપર ભીડ ન થાય તે પુરતો બંદોબસ્ત રાખવો. આવી પ્રવૃત્તિ જણાઇ આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવી. રાજયમાં ચાર મહાનગરોમાં પોલીસ કમિશનરેટ વિસ્તારમાં લાગુ કરવામાં આવેલ કરફયુનો ચુસ્તપણે અમલ થાય તે જોવું તેમજ તમામ પોલીસ અધિકારીશ્રીઓએ પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં ડ્રોન તથા સીસીટીવી સર્વેલન્સનો ઉપયોગ કરી, અસરકારક કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.