ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની અખબારી યાદી અનુસાર રવિ માર્કેટિંગ સિઝન- 2022-23 માટે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. યાદીમાં જણાવ્યા અનુસાર જે ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા હોય તેમણે સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તારીખ – 02-03-2022 થી 31-03-2022 સુધી કરવામાં આવશે.
યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો- 7-12, 8-અ ની નકલ, ગામ નમુના 12 માં પાક વાવણી અંગેની એન્ટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહિ સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો જેઓ તેમનો પાક લઘુત્તમ ટેકાનો ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો તેઓની ઓનલાઈન નોંધણી ફરજીયાત હોઈ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સના અક્ષરો સુવાચ્ય હોય તથા માગ્યા મુજબ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવાનું પણ જણાવવામાં આવે છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહીં કરવામાં આવે તેની ખાસ નોંધ લેશો, તેમ પણ યાદીમાં જણાવાયું છે. જો નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર – 85111-71718 તથા 85111-71719 ઉપર સંપર્ક કરવાનો રહેશે.