ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓને કોઈપણ પ્રકારની હાલાંકી ના ભોગવવી પડે તે માટે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળતી કોર કમિટીની બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં છે.અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે શહેરની SVP હોસ્પિટલને સંપૂર્ણ રીતે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. જેમાં એક હજારથી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરાશે.
કિડની હોસ્પિટલને કોરોના ડેડીકેટેડ હોસ્પિટલમાં મુકાઈ
રાજ્યમાં છેલ્લા 4 દિવસથી 3 હજારથી વધુ કોરોનાના કેસ આવી રહ્યા હોવાથી જે તે શહેરમાં સિનિયર સનદી અધિકારીની નિમણૂંક કરીને સમગ્રતયા વ્યવસ્થાપનની જવાબદારી સોંપીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા સરકાર કાર્યરત છે. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ઉચ્ચ અધિકારીઓ તેમજ નિષ્ણાંત તબીબો સાથે બેઠક કર્યા બાદ નીતિન
પટેલે જાહેરાત કરતા કહ્યું કે, અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી વિવિધ હોસ્પિટલને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરાશે. અગાઉથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલની સાથે - સાથે મંજુશ્રી મિલ કંપાઉન્ડ સ્થિત નવી કિડની હોસ્પિટલને પણ કોરોના ડેડીકેટેડ હોસ્પિટલમાં મુકવામાં આવી છે.
મંજુશ્રી હોસ્પિટલની કેપીસીટી 600 જેટલી કરાશે
આગામી સમયમાં વધુ 200 જેટલી પથારી વધારીને મંજુશ્રી હોસ્પિટલની કેપીસીટી 600 જેટલી કરવામાં આવશે. વેન્ટીલેટરથી લઇ અન્ય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સુખાકારીમાં વધારો કરશે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે, કોઇપણ જરૂરિયાતમંદ દર્દી સારવારથી વંચિત ન રહી જાય તે પ્રકારની આરોગ્ય વિભાગ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના નવા બિલ્ડીંગમાં પણ કોરોના દર્દીઓની સારવાર માટે બેડની કેપીસીટી વધારીને 175 કરાઇ છે.
સિવિલ મેડિસીટી સંકુલમાં કુલ 1332 દર્દીઓ
જ્યારે યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટીટ્યુટના નવા બિલ્ડીંગમાં 130 પથારી કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવી છે. આવી જ રીતે અમદાવાદ શહેરની અન્ય એક જી.સી.એસ. હોસ્પિટલમાં પણ 160 પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અલાયદી ફાળવવામાં આવી છે. સિવિલ મેડિસીટી સંકુલમાં કુલ 1332 દર્દીઓ હાલ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. તદ્ઉપરાંત હાલની પરિસ્થિતીએ પણ 488 જેટલી વેન્ટિલેટર સહિતની પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ખાલી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.