Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Special Story - આદિવાસી પરિવારોમાં આજે પણ માટીના વાસણોમાં ભોજન રાંધવાની પરંપરા અકબંધ, અન્ન બની જાય છે અમૃત

pot

હેતલ કર્નલ

, શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (08:28 IST)
આધુનિકતાની કલી અને પશ્ચિમી આદતોથી હજુ મજબુર નથી થયા એવા દાહોદ જિલ્લાના આદિવાસીઓમાં આજે પણ માટીના વાસણો વાપરવાનું ચલણ જોવા મળે છે. ખાસ કરીને ભોજન બનાવવા અને પાણી સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતાં માટીનાં વાસણો આ પ્રાંતમાં હજુય લોકપ્રિય છે. એક તરફ પરંપરાગત માટીકલા વિસરાતી જાય છે તો બીજી તરફ અહીં અનેક પરિવારો એવા છે કે જે તેને સાચવીને બેઠા છે.
 
સામાન્ય રીતે માટીનાં વાસણોનો ઉપયોગ કરતા લોકો દ્વારા એવી જ દલીલ કરવામાં આવે છે કે, તમે જયારે એલ્યુમિનિયમનું કૂકર ખરીદ્યું હોય ત્યારે કરેલા વજન અને થોડો સમય તેને વાપર્યા બાદ  કરેલા વજનમાં તફાવત આવશે. તેનો સીધો મતલબ એવો થયો કે, તે ધાતુ કોઈને કોઇ રીતે તમારા શરીરમાં પહોંચી છે, ત્યારે શહેરીજનોનો એક મોટો સમૂહ પણ માટીનાં વાસણો વાપરવાની હિમાયત કરવા લાગ્યો છે. આવા સંજોગોમાં આપણને એ ભાન થાય છે કે આદિવાસીઓની આવી ઉજળી પરંપરા સ્વાસ્થ્ય માટે કેટલી લાભકારક છે.
webdunia
દાહોદ જિલ્લામાં આવેલ લીમખેડામાં હરિહર શિશુ વિદ્યાલયની સામે, ઝાલોદ રોડ પર એક પ્રજાપતિ કુંભાર પરિવાર રહે છે, જેઓને કુંભારીકામ વારસાગત જ મળેલ છે. તેઓ વર્ષોથી આ જ કાર્યમાં જોડાયેલ છે. પરિવારના મોભી એવા મીઠાલાલ લાલચંદ રાઠોડ પોતે અને તેઓના પત્ની અને માઁ બ્રહ્માણી કુંભારીકામ કલાકારી સખી મંડળના પ્રમુખ એવા સુભદ્રાબેન રાઠોડ પણ આ માટીકળામાં દિવસ દરમ્યાન પોતાનો મોટાભાગનો સમય વિતાવે છે.સવારના ૪ વાગ્યાથી એમના ઘરનો ચાકડો ચાલું થઇ જાય છે તે રાત્રીના ૮ કે ૯ વાગ્યા સુધી બસ અવિરત ચાલતો જ હોય છે. પરિવારમાં બન્ને પતિ - પત્નીના આ અવિરત કાર્યમાં મદદરૂપ થવા એમનો નાનકડો દીકરો પણ ખડેપગે હાજર રહેતો હોય છે.
webdunia
આ પરિવાર પોતાની આગવી સૂઝ વડે મોટાભાગે માટીના દરેક પ્રકારના વાસણો બનાવે છે.જેમાં 'ભુમલી' જે એક એવું નાનકડી માટલી આકારનું વાસણ છે,જે દાહોદના આદિવાસી લોકોમાં વૃદ્ધો પાણી પીવા માટે ખાસ કરીને પહેલાં ઉપયોગમાં લેતા હતા. આજે ભુમલીનો ઉપયોગ થોડો ઓછો થયો પરંતુ અમુક જૂના લોકો આજેય એની માંગણી કરે છે. 'કુંવારી ' નામનું એવું વાસણ જે દેખાવે બિલકુલ દિવાળીની કુલડી જેવું લાગે પણ અમુકઅંશે નાનકડો ફરક એમાં હોવા ઉપરાંત આદિવાસી લોકો 'કુંવારી'ને ફકત બાધા કે માનતા પુરી કરવા અર્થે ઉપયોગમાં લે છે. 'કુંવારી'ને કાચી જ રાખવામાં આવે છે. 
webdunia
એટલે કે એને નીંભાડામાં શેકાતી કે રંગ ચડાવાતો નથી. વર્ષોથી આપણા પાણીયારાએ મુકાતાં માટીનાં માટલાં, કલેડું, માટલી, માટલાં, કઢાઈ, તવા, હાંડલી,દિવા, કુલડી, પ્રાણી અને પક્ષીઓને પીવા માટેનાં વાસણો, દહીં જમાવવા અને છાશ વલોવવા માટેનાં વાસણો, નળીયા, ગરબી, પાણીની પરબ, જગ, ઢાંકણ અને પૂર્વજનોને નેવોજ - ધૂપ કરવા તેમજ મંદિરમાં આરતી કે દિવા કરવા માટેય મોટેભાગે માટીનો જ ઉપયોગ થતો હતો. 
 
દાહોદના આદિવાસી લોકો વડે વર્ષોથી વપરાતાં વાસણોની સાથે આજના સમયની માંગ મુજબ હવે જેમ જેમ લોકોને માટીના વાસણોની ઉપયોગીતા અને ફાયદાઓની સમજ પડતી જાય છે તેમ-તેમ એની માંગ પણ વધતી જાય છે. જેથી અત્યારે માટીને પહેલાં કરતાં પણ આદ્યુનિક વાસણોની જેમ જ માટીનાં વાસણો પણ બનાવતાં થયા છે, જેમાં કૂકર, ઈડલી કે હાંડવાનું કૂકર, તપેલીઓ, થાળી - વાડકી - ગ્લાસ, પાણીની નાની-નાનીને નળ સાથેની બોટલ, ગલ્લો, નળ અને ભાતભાતની ડિઝાઇન કરેલાં માટલાં, જગ જેવાં અનેક પ્રકારના વાસણો લોકોની જરૂરિયાત અને માંગ મુજબ બનાવે છે. સુભદ્રાબેન જણાવે છે કે, "હવે તો માટીનો ઉપયોગ ફકત આદિવાસીઓ જ નહીં, પરંતુ શહેરમાં રહેતાં અને મોટા ઘરનાં લોકોય વાપરે છે. એટલે માટીના વાસણો હવે દરેક માણસ માટે પ્રિય અને દરેક ઘરમાં વપરાય જ છે. એકેય ઘર એવુ નહીં હોય કે જ્યાં માટીનું એકેય વાસણ ના હોય "
 
કાળી અને લાલ માટીનો ઉપયોગ કરીને આ વાસણો બનાવવામાં આવે છે. તેઓ મોટાભાગની માટી બારીયા તાલુકાના ટીડકી ગામનાં ખેતરોમાંથી મંગાવે છે. જેવું વાસણ એવી માટીનો ઉપયોગ કરવામાં આવે છે. રાખ વડે કાળી માટીનો ભઠ્ઠો બંધ કરીને લાલ માટીનો ખુલ્લો રાખે ત્યારે જે તે વાસણનો રંગ લાલ થઇ જાય છે.  એની ઉપર લાલ ગેરું લગાવીને સફેદ ખડીથી ડિઝાઇન કરીને પૉલિસ કરવામાં આવે છે, આ રીતે માટીના વાસણ તૈયાર થાય છે.
 
મીઠાલાલ રાઠોડ વધુમાં જણાવે છે કે, અમે પહેલાં પગ વડે માટી કચરીને ગુંદતાં હતા. પરંતુ છેલ્લાં ૧૦ વર્ષથી અમને જિલ્લા ઉદ્યોગ કિસાન સહાય યોજના અંતર્ગત માટી ગુંદવા માટેનું મશીન મળ્યું હતું તેનાથી હજીય કામ કરીએ છીએ. અને એ આજદિન સુધી વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે. એ મશીન અમે પ્રાઇવેટમાં લેવા જતાં તો એની મૂળ કિંમત ૧૫ હજાર હતી પરંતુ અમને કિસાન યોજના થકી ફકત ૫ હજાર જ આપવા પડ્યા. અમે પહેલાં આખો પરિવાર જ કુંભારી કામ કરતાં હતા પણ હવે એ કામની માસિક આવક વધતાં અમે અમારા બન્ને દીકરાને વ્યવસ્થિત ભણાવી શક્યા. આજે તેમાંથી એક દીકરાને સરકારી નોકરી મળી ગઈ છે. આજે મારે ૬૫ વર્ષ અને પત્નીને ૬૨ વર્ષ થયાં છતાં અમે અમારું કામ છોડ્યું નથી. હા, વર્ષો પહેલાં અમારી પાસે પોતાના જ બે ગદર્ભ હતા. આજે વાહન વ્યવહારનાં સાધનો વધ્યાં છે ને ઓછા સમયમાં ઘણું કામ થઇ જાય છે, એટલે હવે ગદર્ભ રાખવાનું લગભગ મોટાભાગના કુંભારોએ બંધ જ કરી દીધું છે. અમારા વિસ્તારમાં અંદાજિત ૧૫ જેટલાં ઘર પરિવાર છે, જેઓ માટીકામ કરે છે. "
 
૨૧ અલગ અલગ પ્રમાણપત્રો અને ૨ એવોર્ડના વિજેતા અને સખી મંડળનાં પ્રમુખ એવાં સુભદ્રાબેન કહે છે કે, "અમને હવે બહારગામથી પણ ઓર્ડર આવવા લાગ્યા છે.અમારું 'માં બ્રહ્માણી કુંભારિકામ કલાકારી સખી મંડળ'માં અમે ફકત ૧૦ બહેનો છીએ. અમે બધા મળીને કામ કરીએ છીએ. અમારી બહેનો ખુબ જ મહેનતુ છે. એમની સહાયથી સરકારી શક્તિમેળા કે હસ્તકલા ઉદ્યોગમાં પણ ભાગ લઈએ છીએ.એમાં જ અમારી કામગીરી જોઈને અમને ઘણાંય પ્રમાણપત્રો મળ્યાં છે.તેમજ ગુજરાત બહારથી  અધિકારીઓ અને મંત્રીઓ મુલાકાતે આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઇને જાહેરનામું બહાર પાડ્યું, 11 પ્રતિબંધો વિશે જાણી લેજો નહીતર પસ્તાશો