Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસનું માળખું વિખેર્યું, 300 જેટલાં હોદ્દેદારો ભૂતપૂર્વ થઇ ગયા

સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસનું માળખું વિખેર્યું, 300 જેટલાં હોદ્દેદારો ભૂતપૂર્વ થઇ ગયા
, ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (12:35 IST)
રાજ્યમાં વિધાનસભાની છ બેઠકની પેટાચૂંટણીના પરિણામ ગુરુવારે જાહેર થવાના છે તે પૂર્વે જ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસનું ૩૭૫થી વધુ હોદ્દેદારોનું પ્રદેશનું જમ્બો માળખું વિખેરી નાખવાની જાહેરાત કરી છે. અલબત્ત, પ્રદેશ પ્રમુખપદે અમિત ચાવડાને યથાવત રાખવામાં આવ્યા છે. કોંગ્રેસનું માળખું દિવાળી પછી વિખેરવામાં આવે તેવી શક્યતા જોવાતી હતી, પરંતુ કોઈ કારણસર હાઈકમાન્ડે દિવાળી પહેલાં જ આ નિર્ણય કર્યો છે. રાજ્યમાં ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસે ચૂંટણીમાં કોઈપણ નારાજ ન થાય તે માટે હાઈકમાન્ડ સમક્ષ ૩૭૫થી વધુ સભ્યોના જમ્બો માળખાની મંજૂરી માગી હતી, જેને હાઈકમાન્ડે માન્યતા આપી હતી. આજની જાહેરાત સાથે એક જ ઝાટકે પ્રદેશના ૨૨ ઉપપ્રમુખ, ૪૮ મહામંત્રી, ૧૭૦ મંત્રી, ૧૦ પ્રોટોકોલ મંત્રી, ૭ પ્રવક્તા અને કારોબારી સભ્યો ભૂતપૂર્વ બની ગયા છે. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં કારમા પરાજય બાદ ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ નેતાગીરી સામે આંગળી ચિંધવાની શરૂઆત થઈ હતી. કેટલાયે સિનિયર આગેવાનોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની નીતિરીતિ સામે હાઈકમાન્ડ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે જ ગુજરાત કોંગ્રેસમાં સિનિયર વિરુદ્ધ જૂનિયરો વચ્ચેનો જંગ જામ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીથી માંડીને પ્રચાર-પ્રસાર સહિતની ચૂંટણીલક્ષી કામગીરીમાં કોંગ્રેસનો આંતરિક કલહ સપાટી પર પણ આવ્યો હતો. જોકે, સમગ્ર દેશમાં કોંગ્રેસનો રકાસ થતા રાહુલ ગાંધીએ અધ્યક્ષપદ છોડી દીધું હતું અને તેમના સ્થાને નવા નેતાની વરણી કરવાનો નિર્ણય જાહેર કર્યો હોવાથી હાઈકમાન્ડે જુદા જુદા પ્રદેશોનું માળખું વિખેરવાનો ઉતાવળે નિર્ણય કરવાને બદલે તબક્કાવાર દરેક રાજ્યોનો નિર્ણય કર્યો હતો. લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ, વિરોધપક્ષના નેતા બદલાશે તેવી અટકળો જોરશોરથી ચાલી રહી હતી, પરંતુ બુધવારે પ્રદેશ માળખાના વિસર્જનની જાહેરાત સાથે પ્રદેશના બે ટોચના નેતાઓને પડતા મૂકવાના મુદ્દા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. ગુજરાતનું માળખું વિખેરવા સાથે અત્યારસુધીમાં ૧૧ રાજ્યનું માળખું વિખેરી નાખવામાં આવ્યું છે. જોકે, ગુજરાત સહિત દરેક રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતાને યથાવત રાખવામાં આવ્યા છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી બાદ ગુજરાત કોંગ્રેસનું નવા માળખાની રચનાનો કવાયત શરૂ કરવામાં આવશે અને બે મહિનામાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવાય તેવું મનાય છે.  વર્તમાન માળખામાં અનેક લોકો એવા હતા, જે માત્ર હોદ્દો લઈને બેસી રહ્યા હતા ત્યારે નવા માળખામાં લોકો વચ્ચે રહીને પાયાની કામગીરી કરતા આગેવાનોને સ્થાન આપવામાં આવે તો કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને ટક્કર આપી શકશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનારની ધરપકડ થશે