Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં નાના યાત્રાધામોનો 857.14 કરોડના ખર્ચે વિકાસ થશે, કામગીરી પુરઝડપે ચાલુ

gir parytan
ગાંધીનગર , શનિવાર, 17 ઑગસ્ટ 2024 (16:43 IST)
ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર સતત વિકાસ કરી રહ્યું છે. ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સ્થળો અને તીર્થસ્થાનોનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે, તેમાં ધાર્મિક પ્રવાસનનો ખૂબ મોટો ફાળો છે, અને તે જોતાં રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના સોમનાથ, અંબાજી, દ્વારકા વગેરે જેવા મોટા અને મુખ્ય યાત્રાધામોના વિકાસ ઉપરાંત, રાજ્ય સરકાર નાના-નાના યાત્રાધામોનો પણ વિકાસ કરી રહી છે. રાજ્ય સરકારે નાના-નાના યાત્રાધામો ખાતે કુલ અંદાજે 857.14 કરોડના ખર્ચે વિકાસકાર્યોનું આયોજન હાથ ધર્યું છે.
 
નાના યાત્રાધામો ખાતે ચાલી રહ્યા છે 160થી વધુ વિકાસ કાર્યો
રાજ્ય સરકાર દ્વારા હાલમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ધાર્મિક સ્થળોએ થઈ રહેલા વિકાસકાર્યોની વિગતો આપતા બોર્ડના સચિવ  આર. આર. રાવલે જણાવ્યું કે રાજ્યના મોટા યાત્રાધામોની ફરતે આવેલા નાના યાત્રાધામો ખાતે કુલ 857.14 કરોડના ખર્ચે 163 વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી 655 કરોડથી વધુના ખર્ચે 76 વિકાસકાર્યો વિવિધ તબક્કામાં પ્રગતિ હેઠળ છે. ઉપરાંત, 70.19 કરોડના ખર્ચે 57 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને 52.08 કરોડના 24 કામો આયોજનના તબક્કામાં છે. 79.10 કરોડના 6 કામોનો ચાલુ અંદાજપત્રમાં નવા કામ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
 
અંબાજી-બહુચરાજી યાત્રાધામોની આસપાસના યાત્રાધામોનો 216.51 કરોડના ખર્ચે વિકાસ
રાજ્યના મહત્વના અંબાજી-બહુચરાજી જેવા યાત્રાધામોની આસપાસ આવેલા યાત્રાધામોનો વિકાસ 216.51 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યો છે. આ પૈકી, અંબાજીની આસપાસ આવેલ યાત્રાધામોનો 135.51 કરોડના ખર્ચે વિવિધ પ્રકારે વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસકાર્યોમાં, 3 કરોડના ખર્ચે કોટેશ્વર મહાદેવ મંદિરના પહેલા તબક્કાના વિકાસકાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે, રીંછડિયા મહાદેવ અને તેની પાસે આવેલા તળાવનું 53.95 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ અને તેલિયા ડેમ ખાતે 12.10 કરોડના ખર્ચે વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે. કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે બીજા તબક્કાના કાર્યો, કામાક્ષી મંદિર અને કુંભારિયાજી જૈન તીર્થ તથા અન્ય ધાર્મિક સ્થળો ખાતે કુલ અંદાજિત 33 કરોડના ખર્ચના વિકાસકાર્યો આયોજન હેઠળ છે. કેન્દ્ર સરકારની ‘પ્રસાદ યોજના’ હેઠળ 33.46 કરોડના ખર્ચે પ્રવાસી સુવિધા કેન્દ્ર જેવા વિકાસકાર્યો પણ પ્રગતિ હેઠળ છે.
 
પાવાગઢ ખાતે 187.49 કરોડના ખર્ચે વિકાસકાર્યો
પાવાગઢ યાત્રાધામ અને તેની આસપાસના તીર્થક્ષેત્રોમાં અંદાજે 187.49 કરોડના વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. પાવાગઢ યાત્રાધામ ખાતે 121 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે અને માંચી ચોક ખાતે 12.91 કરોડના વિવિધ વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે. તેમાં ઑફિસ બ્લૉકનું બાંધકામ,ચાચર ચોકનું સ્ટોન ફલોરિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ, પ્રવેશ દ્વાર, સાઇનેજિસ, ફાયર-ફાઇટિંગ, વૉટર સપ્લાયના જેવા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. ચાંપાનેરમાં અંદાજિત 42 કરોડના ખર્ચે રોડ-રસ્તા અને પાર્કિંગના વિવિધ વિકાસકાર્યો શરૂ કરવામાં આવશે. પાવાગઢ ખાતે આવેલ વડા તળાવ પાસે 11.58 કરોડના ખર્ચે ટેન્ટ સિટી બનાવવામાં આવશે.
 
પોરબંદર, કચ્છ, દ્વારકા, સિદ્ધપુર ખાતે 318.13 કરોડના વિકાસ કાર્યો
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લામાં 318.13 કરોડના ખર્ચે યાત્રાધામોનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. પોરબંદરમાં માધવપુર સ્થિત કૃષ્ણ-રૂક્ષ્મણિ યાત્રાધામ ખાતે 42.43 કરોડ, કચ્છમાં માતાનો મઢ યાત્રાધામ ખાતે અંદાજે 32.70 કરોડ અને નારાયણ સરોવર ખાતે 30 કરોડના ખર્ચે વિકાસકાર્યો કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકામાં દ્વારકા કૉરિડોરનો ભવ્ય પ્રોજેક્ટ વિચારાધીન છે. તદ્ઉપરાંત; બેટ દ્વારકાના વિકાસ માટે 155 કરોડનું માસ્ટર પ્લાનિંગ હાથ ધરાયું છે, તેમજ 25 કરોડના વિવિધ વિકાસ કાર્યો પ્રગતિમાં છે. બીજી તરફ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે 33 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડોક્ટરોની હડતાળને ગુજરાતની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોનું સમર્થન