અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત 'બિપરજોય' હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે.
રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. બીજી તરફ પોરબંદર, જામનગર, ઓખા, સલાયા, મુન્દ્રા, અને જખૌ પોર્ટ પર નવ નંબરનું અતિભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે માંડવી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. ત્યારે ગઈકાલે જૂનાગઢના માંગરોળના દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. ભારે તોફાનના કારણે દરિયાકાંઠા પરના પથ્થરો ઉછળીને બહાર આવ્યા હતા અને માછીમારોના દંગામાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. તો યાત્રાધામ હર્ષદમાં પણ બજારમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા.સંભવિત વાવાઝોડાંને લઈને કચ્છને બચાવ કામગીરી માટે 4 ટીમો ફાળવવામાં આવી છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRFની ટીમ ફાળવાઇ છે. SDRFની એક અને NDRFની એક ટીમ નલિયા ખાતે તૈનાત કરાઈ છે. જ્યારે NDRFની એક ટીમ માંડવી ખાતે તૈનાત કરાઈ છે. SDRFની 25 લોકોની એક ટીમ આજે સવારે ભુજ આવી પહોંચી છે. ભુજમાં SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. SDRF અને NDRFની ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી રહી છે.