ગુજરાતભરમાં બે દિવસથી ચર્ચામાં રહેલા શિવાંશને તરછોડવાના અને મહેંદી ઉર્ફે હિના પેથાણીની હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતને આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે આ કેસમાં વધુ તપાસ માટે સચિનાના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન સચિન પોતે કરેલી કરતૂતને લઇને રડી પડ્યો હતો.
ગુરુવાર રાત્રે ગાંધીનગરના પેથાપુરની સ્વામિનારાયણ ગૌશાળાના દરવાજેથી શિવાંશ નામનો 10 મહિનાનો બાળક તરછોડી દેવામાં આવ્યો હતો. પોલીસે તેને તરછોડનાર તેના પિતા સચિન દીક્ષિતની રાજસ્થાનમાંથી અટકાયત કરી હતી અને આકરી પૂછપરછ કરી હતી. જેમાં તેણે શિવાંશની માતા અને પોતાની સાથે લિવ ઇનમાં રહેતી મહેંદીની હત્યા કરી હતી. સમગ્ર મામલે આજે તેને ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ મહેંદીએ સાથે રહેવાની જિદ્દ કરતાં સચિને ગળું દબાવી હત્યા કરી
અદાલતની કાર્યવાહી દરમિયાન પોલીસે આ કેસમાં સચિન તપાસમાં સહકાર આપતો ન હોવાની દલીલ કરી હતી અને સચિન પાસેથી વધુ વિગતો અને તબક્કાવાર ઘટના કેવી રીતે ઘટી તે તમામ તપાસ કરવાની હોવાથી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. ત્યારે સચિન તરફેણમાં વકીલે દલીલ કરી હતી કે સમગ્ર તપાસમાં સચિનની હાજરીની જરૂરિયાત નથી જેથી રિમાન્ડ મંજૂર કરવામાં આવે નહીં. કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળી સચિનના 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમગ્ર મામલામાં ગાંધીનગર કોર્ટમાં રજૂ કરીને પ્રથમ સિવિલ હોસ્પિટલનો મેડિકલ રિપોર્ટ રજૂ કરાયો હતો.
આ અંગે કાયદાના નિષ્ણાંતો અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હાલ તો શિવાંશના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સચિન અને મહેંદીના મૃતદેહમાંથી પણ ડીએનએ સેમ્પલ લેવાશે. આ તમામ સેમ્પલ મેચ કરાવીને શિવાંશ આ બંન્નેનું જ બાળક હતું તે સાબિત કરવામાં આવશે. જો કે આ રિપોર્ટ આવતા 7 દિવસ લાગી શકે છે.
પેથાપુર સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળાના ખાતે ત્યજી દેવાયેલા શિવાંશના કેસમાં નવો જ વળાંક આવ્યો છે. જેમાં શિવાંશના પિતા સચિને વડોદરામાં બાળકની માતની હત્યા કરીને તેને ગાંધીનગર તરછોડી દીધું હતું. ત્યારે વડોદરા ખાતે સચિન સામે હત્યાનો ગુનો નોંધાયો છે તો બીજી તરફ પેથાપુર પોલીસ સ્ટેશનમાં શિવાંશને તરછોડી દેવા બાબતે અલગથી ગુનો નોંધાયો છે.
પીએસઆઈ એમ. એસ. રાણા દ્વારા ફરિયાદીને બનીને ફરિયાદ નોંધાવી છે. જેમાં સચિન દિક્ષિત સામે આઈપીસીની કમલ 317 હેઠળ ગુનો દાખલ કરાયો છે. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકનો ઉછેર કરવાની માતા-પિતાની અથવા જેના માથે જવાબદારી હોય તે આ જવાબદારીમાં છટકીને બાળકને તરછોડી દે તો કલમ 317 હેઠળ ગુનો બને છે. આ કલમ હેઠળ 7 વર્ષની સજાની જોગવાઈ છે, જામીન લાયક આ ગુનામાં પ્રથમવર્ગના મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલે છે. ઉલ્લેખનીય છે કે, પેથાપુર સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળાના દરવાજા પાસે બાળકને તરછોડી દેવાની ઘટનામાં પોલીસની 20 કલાકની મહેનતે આરોપી સચિન ઝડપાયો હતો. જેને રવિવારે સવારે ગાંધીનગર લવાયા બાદ તેણે શિવાંશની માતા એવી પોતાની પ્રેમિકાની હત્યાનો ઘટસ્ફોટ કર્યો હતો.