ટેક્સ કન્સલ્ટન્ટોને જીએસટીમાં ઓડિટનો હક્ક નહીં મળતા રાષ્ટ્રીય કક્ષાએ પોસ્ટકાર્ડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેનો પ્રારંભ આજથી થશે. ટેક્સ કન્સલ્ટન્ટોને ઓડિટનો હક્ક આપો તેવા પત્ર વેપારીઓએ લખ્યા છે. આ પત્રો વેપારી ટેક્સ કન્સલ્ટન્ટોને આપશે અને ટેક્સ કન્સલ્ટન્ટો પીએમને પોસ્ટ કરશે.આ પોસ્ટકાર્ડ ઝુંબેશના ભાગરૂપે સૌરાષ્ટ્રમાંથી 25 હજાર પત્ર લખવામાં આવ્યા છે.આ પત્રો આજથી પોસ્ટ કરવાનું શરૂ કરવામાં આવશે.જે 10 ડિસેમ્બર સુધી ચાલશે.
ટેક્સ કન્સલ્ટન્ટોને વેટમાં ઓડિટનો હક્ક હતો. આ હક્ક જીએસટીમાં છીનવી લેવામાં અાવ્યો છે.માત્ર સીએને જ ઓડિટ રિપોર્ટ તૈયાર કરવાનો હક્ક આપવામાં આવતા ટેક્સ કન્સલ્ટન્ટોમાં કચવાટ જોવા મળે છે.અા અંગે ટેક્સ કન્સલ્ટન્ટોનું કહેવું એવું છે કે, જીએસટીમાં ઓડિટનો હક્ક નહીં આપવામાં આવતા તેની ખોટ ટેક્સ કન્સલ્ટન્ટોને ભોગવવી પડશે, તો વેપારીઓને પણ હેરાન થવું પડશે અને નક્કી કરેલી સમય મર્યાદામાં ઓડિટ પૂરા પણ થશે નહીં.
ટેક્સ કનસલ્ટન્ટોને ઓડિટનો હક્ક નહીં મળતા તેની રોજગારી પર અસર થશે.એક અંદાજ મુજબ રાજકોટમાં 200 વકીલ, ટેક્સ પ્રેક્ટિશનરને રોજગારી નહી મળે. દરેક પાસાઓને ધ્યાને રાખીને ટેક્સ કન્સલ્ટન્ટોને ઓડિટનો હક્ક આપવામાં આવે તે તમામના હિતમાં છે.ઓડિટ એ ટેક્સ કન્સલ્ટન્ટો માટે કોઈ નવો વિષય નથી.વેટમાં જે કામગીરી હતી.
એજ કામગીરી જીએસટીમાં કરવાની છે તેમ ટેક્સ કન્સલ્ટન્ટો જણાવી રહ્યા છે.નોંધનીય છે કે ઓડિટની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે પણ હજુ સુધી યુટિલિટી મુકાઈ ન હોવાનું ટેક્સ કન્સલ્ટન્ટો જણાવી રહ્યા છે. ટેક્સ કન્સલ્ટન્ટોએ વધુમાં જણાવ્યું હતું કે, માત્ર સીએ પાસે જ સત્તા હોવાથી વેપારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે અને સમયસર ઓડિટ પૂરુ કરાવવા માટે ભાગદોડ કરવી પડે છે.