Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે ગુજરાતના 50 લાખથી વધુ લાભાર્થીઓને આપવામાં આવશે પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ

આજે ગુજરાતના 50 લાખથી વધુ લાભાર્થીઓને આપવામાં આવશે પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ

હેતલ કર્નલ

, સોમવાર, 17 ઑક્ટોબર 2022 (08:29 IST)
Printed Ayushman PVC card will be given to more than 50 lakh beneficiaries of Gujarat today
ગુજરાતમાં ગાંધીનગર ખાતે 17 ઓક્ટોબરના રોજ રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યના PMJAY-MA કાર્ડના 50 લાખથી વધુ લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરાયેલા આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવશે. 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે ગુજરાત સરકારે વર્ષ 2019માં મુખ્યમંત્રી અમૃતમ (MA) અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (MAV) યોજનાને સંકલિત કરી હતી, અને આ યોજનાઓના તમામ લાભાર્થીઓ PMJAY-MA કાર્ડ મેળવવા માટે પાત્ર બન્યા હતા. 
 
ત્યારથી લઇને આજદિન સુધીમાં ગુજરાતમાં 1.58 કરોડ લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી, છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધીમાં 50 લાખથી વધુ કાર્ડ આપવામાં આવ્યા છે. આ લાભાર્થીઓને હવે પ્રિન્ટ કરાયેલા નવા આયુષ્માન PVC કાર્ડ આપવામાં આવશે. 
 
લાભાર્થીને કાર્ડના વિતરણ માટે ગુજરાતમાં આયોજિત થનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે અને તેઓ PMJAY-MA કાર્ડના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાશે અને ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે. 
 
નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) ની ગાઇડલાઇન મુજબ PMJAY-MA (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મા અમૃતમ) ના લાભાર્થીઓને આયુષ્માન PVC કાર્ડ આપવામાં આવી રહ્યા છે.  ગુજરાતમાં રાજ્ય સ્તરે 50 લાખ પીવીસી કાર્ડ્સ છાપવામાં આવ્યા છે. આ કાર્ડને આરોગ્ય કચેરીઓના સંબંધિત ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર / મેડિકલ ઓફિસરોને ડિલિવર પણ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના તમામ ગામડાઓમાં આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવશે.
 
ઉલ્લેખનીય છે કે રાજ્યના ગરીબ નાગરિકોને મોંઘી મેડિકલ સારવારના ખર્ચાઓમાંથી બચાવવા માટે દીર્ઘદ્રષ્ટા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજના જાહેર કરી હતી. ત્યારબાદ રૂ.4 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આ યોજના હેઠળ આવરી લેવા માટે વર્ષ 2014માં આ યોજનાનો વિસ્તાર કરીને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (MAV) યોજના જાહેર કરવામાં આવી હતી. 
 
MA અને MAVનો જે લાભ ગુજરાતના ગરીબ પરિવારોને મળ્યો, તે જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં રાષ્ટ્ર કક્ષાએ ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના’ (AB PMJAY) સમગ્ર દેશભરમાં લાગુ કરી, જે વિશ્વની સૌથી મોટી હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ છે, જેમાં પરિવાર દીઠ રૂ.5,00,00 સુધીનું આરોગ્ય વીમા કવચ આપવામાં આવે છે. 
 
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાની જાહેરાત થયા પછી વર્ષ 2019માં ગુજરાત સરકારે MA અને MAV યોજનાને AB PMJAY સાથે સંકલિત કરી, અને આ ત્રણેય યોજનાના લાભાર્થીઓને PMJAY-MA હેઠળ કો-બ્રાન્ડેડ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા. 
 
17 ઓક્ટોબરે રાજ્ય સ્તરે અને તાલુકા સ્તરે યોજાશે કુલ 260 કાર્યક્રમો
PMJAY-MA કાર્ડના લાભાર્થીઓને આ નવા છાપેલા આયુષ્માન પીવીસી કાર્ડ્સનું વિતરણ કરવા માટે ગુજરાત સરકારે 17 ઓક્ટોબર, 2022ના રોજ એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ દિવસનો કાર્યક્રમ બે સ્તરે આયોજિત કરવામાં આવશે. એક રાજ્ય સ્તરે અને બીજો પ્રત્યેક તાલુકા અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે. સમગ્ર રાજ્યમાં કાર્ડ્સના વિતરણ માટે કુલ 260 કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. 
 
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન PMJAY-MA કાર્ડ હેઠળ સારવાર લઈ સાજા થયેલા 3 લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાતચીત કરશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવા ત્રણ લાભાર્થીઓને કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર બોલાવીને આયુષ્માન પીવીસી કાર્ડ્સ આપવામાં આવશે. તાલુકા સ્તરના કાર્યક્રમોમાં પ્રભારી મંત્રીઓ, સ્થાનિક સાંસદો, ધારાસભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
 
ગુજરાતના તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે 50 લાખ રંગીન આયુષ્માન પીવીસી કાર્ડ આપવામાં આવશે. NHA એમ્પેનલ્ડ એજન્સીઓ દ્વારા BIS મોડ્યુલ દ્વારા લાભાર્થીઓનું ઈ-KYC કર્યા પછી આ કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

17 ઓક્ટોબરથી જાગી જશે આ 5 રાશિના સૂતેલા ભાગ્ય, ધનલાભનો યોગ છે