પંજાબ નેશનલ બેંકનું મુંબઇ બ્રાન્ચનું 11,360 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે અમદાવાદ પંજાબ નેશનલ બેંકમાંથી પણ 110થી વધુ લોકોને દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર લોન આપવાનું કૌભાંડ દોઢ દાયકા પહેલાનું છે છતાં એક પણ કેસ ચાલવા પર આવ્યો ન હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. એક અહેવાલ પ્રમાણે અમદાવાદ શહેરમાં વર્ષ 2001થી 2006 સુધી દસ્તાવેજની ચકાસણી કર્યા વગર જ પંજાબ નેશનલ બેંક દ્વારા કરોડોની લોન આપી દેવામાં આવી હતી. આ મામલે 110 જેટલી જુદી જુદી ફરિયાદો ઓઢવ-નવરંગપુરા પોલીસ મથકમાં કરવામાં આવી હતી.જેમાં પોલીસે બેન્કના બ્રાન્ચ મેનેજર દીપક કોહલીને ઝડપી જેલમાં મોકલી આપ્યો હતો. 10 વર્ષના જેલવાસ બાદ 110 કેસમાં આરોપીને જામીન મળ્યા હતા.ત્યારે જામીન મળ્યા બાદ આ તમામ કેસમાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને તમામ કેસો પડતર હોવાનું જાણવા મળ્યું છે. આમ કૌભાંડ બાદ આરોપીઓને છટકબારી મળી જતી હોવાથી કેસો ચાલતા નથી અને લોકોના રૂપિયે કૌભાંડીઓ બહાર રહી જલસા કરે છે. મુંબઇના પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે અને ગુજરાતના મેહુલ ચોકસીની સંડોવણી સામે આવી રહી છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં પણ પીએનબી બેંકનું કૌભાંડ પણ હાલ ચર્ચાનો વિષય બન્યું છે.જેમાં પીએનબીની નવરંગપુરા અને ઓઢવ બ્રાન્ચ દ્વારા મિલકત અને દસ્તાવેજોની ખરાઇ કર્યા વગર લોન આપી કરોડોનું કૌભાંડ દોઢ દાયકા પહેલાં આચરવામાં આવ્યું હતું. જેમાં પીએનબી બેંકના વિજિલન્સ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવી હતી. પછી આ મામલે બેંકના અધિકારી પી.એન.બાલીએ નવરંગપુરા પોલીસ મથકમાં તત્કાલીન મેનેજર દીપક કોહલી સહિતના આરોપીઓ સામે 110 જેટલી અલગ અલગ ફરિયાદો નોંધાવી હતી. આ મામલે પોલીસે દીપક કોહલીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. દીપકે જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી અરજી કરી હતી. જોકે, કોર્ટે તેને જામીન આપ્યા ન હતા. ધરપકડના 10 વર્ષ બાદ કોર્ટે દીપકને જામીન પર મુક્ત કર્યો હતો. ત્યારબાદ એક પણ કેસ ચાલવા પર આવ્યો નથી. હાલ પીએનબી બેંકના વર્ષ 2001થી 2006ના 110 કેસ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની જુદી જુદી અદાલતમાં પેન્ડિંગ છે.