આગામી 16મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં રાત્રી રોકાણ કરવાના હોવાથી શહેરને સજાવી દેવાયું છે. ત્યારે પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાય હાય અને ભાજપની જગ્યાએ ખાજપા લખાયું છે. નો મોદી ઓન્લી પાટીદારના લખાણ લખાયા છે.
વડાપ્રધાન પાટીદાર આરોગ્ય ટ્રસ્ટની કિરણ હોસ્પિટલના લોકાર્પણ અગાઉ પાટીદાર વિસ્તારમાં લખાયેલા લખાણથી ગરમાટો છવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવાના પોસ્ટર વરાછા સહિત કાપોદ્રા વિસ્તારમાં લાગેલા છે. ત્યારે ગત રાત્રે પાટીદારોના ગઢ ગણાતા વિસ્તાર કાપોદ્રા અને વરાછા વિસ્તારમાં ઓવરબ્રીજ નીચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાય હાયના નારા કાળા અક્ષરોથી લખવામાં આવ્યાં છે. સાથે જ ભાજપના યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ પર અગાઉ પાટીદારોએ ખુજલી નાખી હોવાથી ભાજપાની જગ્યાએ ખાજપા લખવામાં આવ્યુ છે. જો કે આ લખાણ કોના દ્વારા લખવામાં આવ્યું છે. તે હજુ સુધી સામે આવ્યું નથી. પાટીદાર વિસ્તાર ગણાતા વરાછા કાપોદ્રામાં લખાયેલા લખાણથી ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. કારણ કે પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા નિર્માણ થયેલી કિરણ હોસ્પિટલનું વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે. અને આ કાર્યક્રમનો વિરોધ નહીં કરવાનું ખુદ હાર્દિક પટેલ પણ જણાવી ચુક્યો છે. ત્યારે પાટીદારોના વિસ્તારમાં લખાયેલા લખાણથી ખાસ્સી ચર્ચા જોવા મળી રહી છે. અને આગામી સમયમાં વધુ શું ચોંકાવનારી બાબતો સામે આવે છે તે જોવું રહ્યું. મોડીરાત્રે વરાછામાં આવેલી ચોપાટીની સામેના ફૂટ ઓવરબ્રીજના નીચેના પીલર પર નરેન્દ્ર મોદી વિરુધ્ધ અભદ્ર શબ્દો લખાતાં પોલીસ અને આઈબીને તપાસ સોંપવામાં આવી છે. અને જવાબદારો સામે કડક પગલાં લેવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે.