ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને પગલે કોંગ્રેસમાં મૂરતિયા શોધવાનો ધમધમાટ શરૃ થયો છે . ચૂંટણીઓ વહેલી થશે કે સમયસર યોજાશે તે અંગે હજુય અટકળોનો દોર જારી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી લડવા ટિકિટ મેળવવા ઘમસાણ જામ્યું છે. નોંધનીય વાત તો એછેકે, ૪૭ સિટીંગ ધારાસભ્યો સામે દાવેદારોએ ટિકિટની માંગણી કરી છે. આ કારણોસર ખુદ પ્રદેશના નેતાઓ પણ મૂંઝાયા છે.
કોંગ્રેસ હાઇકમાન્ડે એવુ મન બનાવ્યું છેકે, મોટાભાગના સિટીંગ ધારાસભ્યોને રિપિટ કરાશે. આમ છતાંયે ૫૭ ધારાસભ્યો પૈકી ૪૭ ધારાસભ્યોને કાપીને ટિકિટ લેવા કોંગ્રેસી દાવેદારો મેદાને પડયાં છે. ખુદ વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની કપડવંજ બેઠક પર ચૂંટણી લડવા પાંચ-છ દાવેદારોએ દાવેદારી નોૅધાવી છે. અમદાવાદમાં પણ શાહપુર-દરિયાપુર બેઠક પર ગ્યાસુદ્દીન શેખ સામે બે પૂર્વ કોર્પોરેટર સહિત અન્ય પાંચ-સાત લઘુમતી દાવેદારોએ મોરચો માંડયો છે. જો ટિકિટ આપવામાં આવશે તો પરિવર્તિન નહીં તો પુનરાવર્તન નહીં એવા સૂત્ર સાથે વિરોધનો બુંગિયો ફુંકવામાં આવ્યો છે. દાણિલિમડામાં પણ શૈલેષ પરમાર સામે પણ ટિકિટ માંગવામાં આવી છે. એવી રજઆતો થઇ રહી છેકે, કોંગ્રેસના સિટીંગ ધારાસભ્યો પ્રજાલક્ષી કામો કરતા જ નથી. ભાજપ સાથે રાજકીય સેટિંગ કરીને મેળાપિપણાથી સ્થાનિક આગેવાનોની ધરાર અવગણના કરી રહ્યાં છે. આમ, ધારાસભ્યો સામે ટિકિટની માંગણી થતા કોંગ્રેસને બળવાનો ડર સતાવી રહ્યો છ. આમ ,ટિકિટની ફાળવણી વહેલી થાય તેમ દેખાતુ નથી .