- ગુજરાતમાં સતત નબળા પડી રહ્યા છે યુવાનોના હૃદય
- હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો
નવસારીના જલાલપુરમાં રહેતા અને હૉલસેલ કરિયાણાના વેપારી પ્રકાશ ભંડેરીનો 21 વર્ષીય પુત્ર દર્શિલ LLBના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. આજે સવારે 10 વાગ્યાની આસપાસ દર્શિલ ઘરે હાજર હતો, ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ઢળી પડ્યો હતો. દર્શિલને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ આ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો.
ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતા જ હાર્ટ એટેકના કિસ્સા વધતા જઈ રહ્યા છે. યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.