નરોડા અશોક મિલ પાસે જેઠે તેના નાનાભાઈની પત્નીની સાથે જમવા બાબતે ઝઘડો કરી કપડાં ધોવાના ધોકા વડે માર માર્યો હતો. જેમાં મહિલા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નરોડા મેમકો રોડ પર આવેલી ચાલીમાં એક પરિવારમાં ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. આ ગણેશ સ્થાપના કરનાર મહિલાના પતિ આર્મીમાં નોકરી કરે છે જે હાલ જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવે છે. ગણેશ સ્થાપના હોવાથી પરિવારના નજીકના લોકો જમવા માટે આવતા હતાં. ત્યારે મહિલાના જેઠ પણ ત્યાં આવ્યા હતા અને જમવાનું સારું ન બનતા તેઓ મહિલા સાથે ઝઘડવા લાગ્યા હતા. જેથી મહિલાએ આમ ન કરવા કહેતા તેઓ નજીકમાં પડેલો કપડાં ધોવાનો ધોકો લઈ આવ્યા અને મહિલાને માર મારતા મહિલા લોહી લુહાણ થઈ ગઈ હતી. મહિલાએ બુમો પડતા તે ત્યાંથી ભાગી ગયો હતો. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.