મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જમ્મુ -કાશ્મીર પોલીસ પાસેથી કસ્ટડી મેળવી લીધી છે અને ટીમ શુક્રવારે મોડી રાત સુધીમાં અમદાવાદ જશે. જગદીશ પટેલનો સિંધુ ભવન રોડ પરનો નીલકંઠ ગ્રીનમાં આવેલો રૂ.15 કરોડનો બંગલો કિરણ પટેલ અને પત્ની માલિનીએ નકલી ડોકયુમેન્ટના આધારે પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં થયેલી ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાંચે માલિનીની ધરપકડ કરી હતી.
મહાઠગ કિરણ પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી. જેથી તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા ક્રાઈમ બ્રાંચે તજવીજ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ રવિવારે સવારે રોડ માર્ગે કિરણને લેવા જમ્મુ-કાશ્મીર ગઈ હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે કાગળ પરની કાર્યવાહી પૂરી કરીને ગુરુવારે સાંજે કિરણ પટેલની કસ્ટડી મેળવી લીધી હતી. ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે કહ્યું, કિરણ પટેલને લઈ ટીમ શુક્રવારે મોડી રાત સુધીમાં આવી જશે