રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારમાં થયેલા તીડના આક્રમણના કારણે ખેડૂતોના પાકને નુકશાન તથા સર્જાયેલી વિકટ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. રાજ્ય સરકારની ૧૦૦ ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર ટીમો અને કેન્દ્ર સરકારની ૧૬ ટીમો મળી કુલ ૧૧૬ ટીમો દ્વારા તીડ નિયંત્રણ કામગીરી દ્વારા મોટી સંખ્યામાં તીડનો નાશ કરાયો છે.
કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ પી.કે.પરમારે તીડ નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે હાથ ધરાયેલ પગલાંઓની વિગતો આપતાં કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના તીડથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ ત્યાં પહોંચી ગયા છે અને કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનિક જિલ્લાના વહીવટી તંત્ર સાથે સંકલન કરીને તીડ નિયંત્રણની કામગીરી સંદર્ભે યુદ્ધના ધોરણે પગલાં હાથ ધરવાને પરિણામે આ સફળતા મળી છે. રાજ્ય સરકારની આ કામગીરીને પરિણામે અને પવનની દિશાના આધાર તીડની દિશા હવે પાકિસ્તાન ના બલૂચિસ્તાન તરફ રવાના થાય તેવી સંભાવના છે.
ખેડૂતોએ માંગ કરી હતી કે, જો દિવસ દરમિયાન વીજ પુરવઠો મળે તો ખેતરોમાં ફુવારા ચાલુ રાખી શકાય અને એના લીધે પાક પર તીડ બેસતા નથી એને ધ્યાને લઇને રાજ્ય સરકારે આ વિસ્તારોમાં દિવસે વીજ પુરવઠો પુરો પાડવાનું શરૂ કરી દીધુ છે. જેથી ખેડૂતો ખેતરમાં ફુવારા ચાલુ રાખી શકે અને તીડને બેસતા અટકાવી નુકશાનથી બચી શકાય. સંકલિત અભિગમને કારણે નિયંત્રણની કામગીરી વધુ વેગવાન બની છે.
બનાસકાંઠા જિલ્લાના ૧૩ તાલુકાના ૧૧૪ ગામો, મહેસાણા જિલ્લાના ૧ તાલુકાના ૫ ગામો, પાટણ જિલ્લાના ૨ તાલુકાના ૪ ગામો, સાબરકાંઠા જિલ્લાના ૧ તાલુકાના ૧ ગામ મળી કુલ ચાર જિલ્લાના ૧૭ તાલુકાના ૧૨૪ ગામોમાં તીડ ની હાજરી જોવા મળી છે, તેના લોકેશન ટ્રેક કરી આ તમામ વિસ્તારોમાં તીડ નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઇ હતી. બનાસકાંઠા જિલ્લામાં ગઇ કાલ સુધી રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગની ૨૭ સર્વે ટીમ અને ભારત સરકારના લોકસ્ટ કંટ્રોલ યુનિટની ૧૯ ટીમ અને ૨૫ સ્થાનિક ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર મારફ્ત તીડ નિયંત્રણની કામગીરી દ્વારા ૩૫૨૬ હેક્ટરમાં નિયંત્રણ કરવામાં આવી છે.
તા. ૨૫.૧૨.૨૦૧૯ના રોજ થરાદ તાલુકાના આંતરોલ, રડકા, આજાવાડા અને નારોલી ગામની આજુબાજુ જોવા મળેલ તીડનું ભારત સરકારની ૧૯ ટીમો અને ૨૫ ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયરથી તા.૨૬.૧૨.૨૦૧૯ ની સવારે દવા છંટકાવ કરવામાં આવ્યો છે, જેનાથી ૨૫% તીડોનો નાશ કરી શકાયો છે. બચી ગયેલા તીડો પૈકી એક ટોળું ફંટાઇને રાજસ્થાન તરફ ગયું છે. અને અડધું ટોળું વાઘાસણ, મિયાલ અને આજુબાજુના ગામોના અંદાજે ૩૦૦૦ હે. વિસ્તારમાં જોવા મળ્યું હતું. જે માટે આજરોજ ભારત સરકારની ૧૬ ટીમો, અને રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ મારફત ૧૦૦ જેટલા ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયરથી નિયંત્રણની કામગીરી ચાલુ છે.
તેમણે ઉમેર્યું કે, તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૧૯થી રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં મીઠાવીચારણ ગામ તથા તેની આજુબાજુના ગામોમાં તીડનું આક્રમણ થયું હતુ. ખેતીવાડી વિભાગની ફિલ્ડની ટીમો દ્વારા તીડની હાજરી અંગે સતત ટ્રેકિંગ કરવામાં આવે છે. અને રાત્રે જ્યાં તીડનું ઝુંડ સેટલ થાય તેનું લોકેશન ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ ટીમને આપવામાં આવે છે જેથી વહેલી સવારે દવાનો છંટકાવ કરી તેનું નિયંત્રણ કરવામાં આવે છે. દિવસ દરમિયાન તીડ ઉડતા હોય છે જેથી આ સમયે તેનું નિયંત્રણ કરવું શક્ય બનતું નથી.
રાત્રીના સમયે તેઓ બેસી જાય છે પરંતુ રાત્રિના સમયે તીડ દ્વારા તેના શરીર પરના છિદ્રો સંકોચી લેવામાં આવે છે અને શ્વસન ક્રિયા ધીમી હોય છે જેથી રાત્રિના સમયે દવા છંટકાવ કરવામાં આવે તો અસરકારક નિયંત્રણ મેળવી શકાતું નથી. આથી સવારે પાંચથી છ વાગ્યા આસપાસ દવા છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવે છે. તડકાની શરૂઆત થતા દસ વાગ્યાની આસપાસ ઉડવાની શરૂઆત કરે છે જેથી તેના નિયંત્રણ માટે ચાર કલાક જેટલો સમય મળે છે અને આ સમયમાં દવા છાંટી તેનું નિયંત્રણ કરવામાં આવે છે. કૃષિના અધિક મુખ્ય સચિવે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં પણ તીડ જ્યાં જ્યાં જોવા મળશે ત્યાં તમામ પ્રકારના સંસાધનોનો ઉપયોગ કરી તીડનું નિયંત્રણ કરી લેવામાં આવશે.