કોંગ્રેસના પ્યાદા બનીને ફરનારા લોકોને અમે કાયમ કહ્યું છે કે, પાટીદાર આંદોલન કોંગ્રેસ પ્રેરીત છે. હું આને પાટીદાર મહાપંચાયત નથી કહેતો, કોંગ્રેસ મહાપંચાયત કહુ છું. કોંગ્રેસ પાટીદર સમાજને ગુમરાહ કરે છે અને તે કેવી રીતે અનામત આપશે તે તો કહો તેવો પ્રશ્ન મહેસાણા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુરુવારે આયોજીત સંગઠનની બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યો હતો. મહેસાણા કમલમમાં ગુરૂવારે જિલ્લા સંગઠનની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંગઠનને વધુમા વધુ મજબુત બનાવવા હાકલ કરનાર પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મોટી માલવણથી શરૂ થનાર પાટીદાર મહાપંચાયતને નિશાન બનાવતા કહ્યું કે, ફેકી દિધેલી કોંગ્રેસ અને કોંગ્રેસના પ્યાદાઓ દેખાડા શાના કરે છે તે સમજાતુ નથી.
વધુમાં કહ્યું કે, પાટીદારોના નામે ઉઘરાવેલા પૈસાનો હિસાબ તેમનામાંથી વિખુટા પડેલા સાથીઓ માગ્યો છે જે આજદિન સુધી દીધો નથી ત્યારે સમાજ સેવી સંસ્થા જે 50,60,70 વર્ષથી જે મારા જન્મ પહેલા કામ કરે છે તેમને પણ ગાળો ભાંડવાનો અધિકાર કોણે આપ્યો, શું પાટીદાર સમાજના આ સંસ્કારો છે. પાટીદારોને અનામત અપાવવા નીકળેલી કોંગ્રેસ અને તેમના પીઠુઓ અનામતના નામે પાટીદાર સમાજને ગુમરાહ કરે છે. અંતે જિલ્લા ભાજપ પ્રમુખે સંગઠીત થઇને કામ કરી પક્ષની યોજના લોકો સુધી પહોંચાડવા કહ્યું હતું.