Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર રીવરફ્રન્ટ પર ખસેડવા નિર્ણય લેવાયો, મંદિર માટે જગ્યા નક્કી કરવામાં આવી

camp hanuman
, સોમવાર, 11 એપ્રિલ 2022 (14:51 IST)
અમદાવાદમાં દાયકાઓ જુના કેમ્પ હનુમાન મંદિરને રીવર ફ્રન્ટ ખસેડવા કેટલાક સમયથી ચર્ચાઓ થઈ રહી હતી. આ મુદ્દો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. પરંતુ હવે મંદિર ટ્રસ્ટ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે કેમ્પ હનુમાનનું મંદિર આર્મી કેન્ટોનમેન્ટમાં આવેલું છે. જેના કારણે ક્યારેક સુરક્ષાના કારણોસર ભક્તોને દર્શન માટે પ્રવેશ મળતો નથી. જેથી મંદિર રીવરફ્રન્ટ પર ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રસાદ વિતરણને લઈને ચાલી રહેલા વિવાદનો પણ અંત આવ્યો છે. હવે બે વર્ષ બાદ ફરીથી ટ્રસ્ટીઓ દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

 કેમ્પ હનુમાન મંદિરના પૂર્વ પ્રમુખ પાર્થિવ અધ્યારૂ એ જણાવ્યું હતું કે, મંદિર આર્મી હસ્તક છે. જેથી સુરક્ષાના કારણોસર અનેક વખત દરવાજા બંધ કરી દેવામાં આવે છે.આર્મીની સુરક્ષા પણ જરૂરી છે. તેમના નિર્ણયને પણ માન આપવું જોઈએ. હવે ભક્તો સરળતાથી ભગવાનના દર્શન કરી શકે તે માટે મંદિર રિવરફ્રન્ટ પર ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આર્મીને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય, રાજ્ય સરકાર અને AMC દ્વારા મંજુરી મળશે ત્યારે મંદિર રીવરફ્રન્ટ પર ખસેડવામાં આવશે. સુરેન્દ્ર પટેલે મંદિર માટે રીવર ફ્રન્ટ પર જગ્યા નક્કી કરી છે તે જગ્યા પર મંદિરને ખસેડવામાં આવશે. જે ભક્તોને ત્યાં પૂજા અર્ચના ના કરવી હોય તે મંદિર ખસેડવા મામલે વિરોધ કરશે.

પ્રસાદ વિતરણ અંગે મંદિરના એક ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ટ્રસ્ટ મંડળ દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવતું નહોતું. પ્રસાદ વિતરણમાં અત્યાર સુધી ગેરરીતિ થતી હતી જેમાં વધુ ભેટ મૂકે તેને પ્રસાદ આપવામાં આવતો હતો. જોકે કોરોનાને કારણે દોઢ વર્ષથી પ્રસાદ વિતરણ બંધ હતું અને હવે છેલ્લા 6 મહિનાથી પ્રસાદ વિતરણ મંદિરના ટ્રસ્ટીઓ હસ્તક લઈ લેવામાં આવ્યું છે. હવે હનુમાન જયંતિ બાદ ટ્રસ્ટી મંડળની બેઠક મળશે જેમાં પ્રસાદ વિતરણ અંગે નિર્ણય કરવામાં આવશે. પ્રસાદ વિતરણમાં હવે ભેટ લખાવનારને પહોંચ પણ આપવામાં આવશે. ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રસાદ વિતરણ અંગે આયોજન કર્યું છે જે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર રિવરફ્રન્ટ ખસેડવા સામેની જાહેરહિતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. હાઈકોર્ટે અરજદારની રજૂઆત સાંભળીને કહ્યું હતું કે ટ્રસ્ટને નિર્ણય લેવા દો, તમે તેમના તરફી કેમ વાત કરો છો. અરજદારે રજૂઆત કરી હતી કે હું તેમની તરફથી, નહીં તેમની વિરુદ્ધમાં છું, કારણ કે આ નિર્ણય ના લેવાવો જોઈએ. આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે અમારે આ બાબતે કહેવાની જરૂર નથી. તે લોકોને કહેવા દો અને તમને કંઈ યોગ્ય લાગે તો PIL દાખલ કરો. ટ્રસ્ટે કહ્યું હતું કે અમે તમામની સંમતિથી નિર્ણય લીધો છે અને હજી આ બાબત શરૂઆતના તબક્કામાં છે. અમે હજી કોઈ ઠોસ નિર્ણય નથી લીધો. અમે લોકોને મંદિરમાં દર્શન કરવામાં સરળતા રહે અને કન્ટેન્મેન્ટને ડિસ્ટર્બ ના થાય એ માટે વ્યવસ્થા ઈચ્છીએ છીએ. તે સમયે હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગરમીથી બચવાના ઉપાયો