તાજેતરમાં જ થયેલા ૬૦ માં અંગદાનની વિગતો જોઇએ તો, ખેડાના ૩૫ વર્ષીય નીગમભાઇ સિધ્ધપુરાને બ્રેઇન હેમરેજ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ અંગદાનનો પવિત્ર નિર્ણય કર્યો.
બ્રેઇનડેડ નીગમભાઇના અંગદાનમાં એક હ્યદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું.જે તમામ અંગોને જરૂરિયાતમંદમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં આવ્યું છે.
આ અગાઉ ૫૯ માં અંગદાનની વિગતોમાં ૩૬ વર્ષીય સુરેન્દ્ર રામને પણ બ્રેઇનહેમરેજ થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. જેમના અંગદાનમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતુ.
આવી જ રીતે થોડા દિવસ અગાઉ મહિસાગરના લાડુબેન માંછીને પણ માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સિવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ પ્રયાસો છતા તેઓ બ્રેઇનડેડ થયા. બ્રેઇનડેડ થયેલ લાડુબેનના પરિજનોએ સિવિલ હોસ્પિટલના તબીબોને અંગદાન માટે સંમતિ દર્શાવી.
અંગદાનની સંમતિ બાદ રીટ્રાઇવલ સેન્ટરમાં અંગોના રીટ્રાઇવ માટે લઇ જવામાં આવ્યા. જ્યાં તબીબોની ૫ થી ૭ કલાકની મહેનત બાદ બે કિડની અને એક લીવરનું દાન મળ્યું.
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી અંગદાન અંગેની વિગતો આપતા જણાવે છે કે, સિવિલ હોસ્પિટલમાં ૬૦ બ્રેઇનડેડ અંગદાતાઓના મળેલા ૧૮૪ અંગો થકી ૧૬૩ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૯૬ કિડની, ૫૨ લીવર, ૬ સ્વાદુપિંડ, ૧૦ હ્યદય, ૪ હાથ અને ૮ ફેફસાનું દાન મળ્યું છે. જે અંગદાન અંગે લોકોમાં પ્રવર્તેલી જનજાગૃતિનું પરિણામ છે.