ગુજરાતમાં રોજબરોજ વધતા અપરાધ વચ્ચે એક સારા સમાચાર છે. અપરાધ તરફ વળી રહેલા યુવાનો વચ્ચે મહેસાણામાં 13 વર્ષીય બાળકે રસ્તા પરથી મળેલું લાખો રૂપિયાનું સોનું તેના મૂળ માલિકને પરત કરી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો સામે દાગીનાના માલિકે પણ કિશોરની ઈમાનદારીથઈ પ્રભાવિત થઈ ધોરણ 10 સુધીનો અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.
મહેસાણાની ગોકુલધામ રેસિડેન્સીમાં રહેતા શિવમ ઠાકોર નામના ધોરણ 7માં અભ્યાસ કરતા બાળકને રસ્તામાંથી 14 તોલા સોનાના દાગીના મળી આવ્યા હતા. ધીણોજના રણછોડભાઈ ચૌધરી દ્વારા દાગીના ખોવાયાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની જાણ શિવમને થતા તેને પોલીસ સ્ટેશન પહોંચી દાગીના પરત કર્યા હતા.
લાખો રૂપિયાના દાગીના મળવા મુશ્કેલ હતા ત્યારે શિવમે સામે ચાલીને દાગીના આપી જતા રણછોડભાઈ બાળકની ઈમાનદારીથી પ્રભાવિત થયા હતા અને શિવમનો ધોરણ 10 સુધીનો અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.