ગુજરાતના દરિયામાં માછીમારી કરતાં માછીમારો ઘણી વખત મર્યાદા ઓળંગી જતા હોય છે અને તેમને પાકિસ્તાનની જેલમાં નાંખી દેવામાં આવે છે. આવી ઘટનાઓ છાશવારે બનતી હોય છે. ત્યારે હાલમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં સરકારને સવાલ કરવામાં આવ્યો હતો કે,ગુજરાતના કેટલા માછીમારો હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે તથા કેટલી બોટને કબજે કરી છે.
આ સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે, હાલમાં માત્ર 133 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા સરકારને સવાલ કરવામાં આવ્યો હતો કે, 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ ગુજરાતના કેટલા માછીમારો અને કેટલી બોટો પાકિસ્તાનની જેલમાં છે. છેલ્લા બે વર્ષમાં કેટલા માછીમારો અને કેટલી બોટોને પાકિસ્તાન તંત્ર દ્વારા પકડવામાં આવ્યાં છે.
આ સ્થિતિમાં છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાન દ્વારા કેટલા માછીમારો અને બોટો છોડવામાં આવી છે. ધારાસભ્ય અરવિંદ લાડાણીના આ સવાલનો જવાબ સરકારે લેખિતમાં આપ્યો હતો. સરકારે ધારાસભ્યના સવાલનો જવાબ લેખિતમાં આપતાં જણાવ્યું હતું કે, 31-12-2023ની સ્થિતિએ ગુજરાતના 133 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાને ગુજરાતના માછીમારોની 1170 બોટ કબ્જે કરેલી છે. છેલ્લા બે વર્ષમાં 467 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા છે. જે પૈકી 2022માં 35 જ્યારે 2023માં 432 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ પાકિસ્તાન દ્વારા એક પણ બોટ મુક્ત કરવામાં નથી આવી. પાકિસ્તાને 2022માં 80 માછીમારો અને 21 બોટ પકડી હતી. જયારે 2023માં 9 માછીમારો અને 1 બોટ પકડી હતી.