Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કોરોનાનો કેર : સ્મશાનોમાં કલાકોનું વેઇટિંગ, 24 કલાક ચાલતી ગૅસની ચિતાઓ

ગુજરાતમાં કોરોનાનો કેર : સ્મશાનોમાં કલાકોનું વેઇટિંગ, 24 કલાક ચાલતી ગૅસની ચિતાઓ
, ગુરુવાર, 15 એપ્રિલ 2021 (09:30 IST)
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાઇરસની બીજી લહેર છે, સંક્રમિતોનીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ કોરોના સંક્રમણથી થઈ રહેલા મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે, હૉસ્પિટલો જેવું જ વેઇટિંગ સ્મશાનોમાં છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા વગેરે જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર જણાઈ રહી છે.  તો ગામડાઓમાં પણ ધીમે-ધીમે કોરોનાનો પગપેસારો વધી રહ્યો છે, આ વખતે વૃદ્ધોથી માંડીને યુવાનો અને બાળકો પણ કોરોનાના શિકાર બન્યાં છે.  
 
કોરોનાથી થતાં મૃત્યુને કારણે સ્મશાનગૃહોમાં લાંબી કતારો જોવા મળી રહી છે અને હૉસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઇરસના નવા 7410 કેસ નોંધાયા અને 73 દર્દીઓનાં મૃત્યુ થયાં છે. અમદાવાદ અને સુરત કૉર્પોરેશનમાં સૌથી વધુ 24-24 મૃત્યુ થયાં છે.
 
સાધનો વિના સ્મશાનમાં અંતિમવિધિ કરવા મજબૂર લોકો
 
રાજકોટના અધિકૃત સ્મશાનમાં કામ કરતા દિનેશભાઈ અને ધીરુભાઈ સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની પીપીઈ કિટ કે મોજાં વિના અંતિમવિધિ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે  "કોવિડ પહેલાં અહીં એક દિવસમાં સરેરાશ 12 મૃતદેહ આવતા હતા, પણ હવે 25 આવે છે." તેમના કહેવા અનુસાર, દિનેશભાઈ અને ધીરુભાઈ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો સળગાવે છે પણ તેમને કોઈ પીપીઈ કિટ આપવામાં આવી નથી. ક્યારેક ક્યારેક તો ઍમ્બ્યુલન્સ સાથે આવેલા હૉસ્પિલના લોકો તેમને મોજાં આપે છે. તેમને એવાં કોઈ સાધનો આપવામાં આવ્યાં નથી કે જે નિયમોનુસાર સંક્રમિત મૃતદેહોને સળગાવતી વખતે પહેરવાં જરૂરી છે.
 
 
કોવિડ-19થી સંક્રમિત લોકોના અંતિમસંસ્કાર માટે સ્મશાનમાં હાલમાં 24 કલાક કામ ચાલે છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે રાજકોટની સિવિલ હૉસ્પિટલ ખાતે ઍમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગી હતી. અહેવાલમાં નોંધ્યું છે કે હૉસ્પિટલમાં OPD સતત ધમધમતાં રહે છે પણ કોવિડ વોર્ડની સ્થિતિ ચિંતાજનક છે, ત્યાં છેલ્લા પાંચ-છ દિવસથી તમામ બેડ ભરાઈ ગયા છે.
 
12 કલાકથી મૃતદેહ માટે રાહ જોતા લોકો
 
મૃતકોના પરિવારજનો મૃતદેહ માટે સવારથી લઈને સાંજ સુધી હૉસ્પિટલના ધક્કા ખાવા મજબૂર બની રહ્યા છે સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓ જ નહીં, પણ અન્ય લોકો (જેમણે મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે) પણ દુખી અને પરેશાન છે. આ લોકો પહેલાં સ્વજનોના ઇલાજ માટે હૉસ્પિટલના ચક્કર કાપતા હતા અને બાદમાં સ્વજનનું મૃત્યુ થતાં મૃતદેહને લેવા માટે રાહ જોવી પડે છે. 
 
મોરબીથી આવેલા હેમંત જાદવે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે તેમના સ્વજનનો મૃતદેહ લેવા માટે તેમને 12 કલાકથી વધુ સમય રાહ જોવી પડી હતી. 
સોમવારે સવારે પાંચ વાગ્યાથી તેઓ રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે આવી ગયા હતા અને સાંજે સાત વાગ્યે જ્યારે તેઓ બીબીસી સાથે વાત કરતા હતા, ત્યાં સુધી તેમને ભાઈનો મૃતદેહ નહોતો મળ્યો. તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત હતા અને એક એપ્રિલથી રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ભરતી હતા. હેમંતે કહ્યું, "ફોન પર વાત થઈ ત્યારે મારા ભાઈની તબિયતમાં સુધારો દેખાઈ રહ્યો હતો, અમને લાગતું હતું કે તેઓ સાજા થઈને ઘરે આવશે પણ બાદમાં હૉસ્પિટલમાંથી ફોન આવ્યો કે તેમનું નિધન થઈ ગયું છે."
 
કોરોના વાઇરસના લીધે મૃત્યુનું જોખમ વધી ગયું છે, રાજકોટ સહિત ગુજરાતનાં અન્ય શહેરોમાં સ્મશાનોની ચીમની 24 કલાક સુધી સળગતી જ રહે છે.
બીજી તરફ મૃતકોના પરિવારજનો મૃતદેહ માટે સવારથી લઈને સાંજ સુધી હૉસ્પિટલના ધક્કા ખાવા મજબૂર બની રહ્યા છે. 
 
કોરોના સંક્રમણના કેસોમાં વધારાની સાથે સંક્રમિતોનાં મૃત્યુના કેસ પણ વધી રહ્યા છે, જેના પગલે સુરત અને અમદાવાદ સહિતનાં નગરોનાં સ્મશાનગૃહોમાં પણ વેઇટિંગ હોય છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે અમદાવાદના ચાંદખેડા સ્મશાનગૃહમાં સોમવારે એક વ્યક્તિને તેમના ભાઈની અંતિમવિધિ માટે 12 કલાક રાહ જોવા માટે કહ્યું હતું, કારણકે 10 મૃતદેહો અંતિમવિધિ માટે લાઇનમાં હતા.
 
અહેવાલમાં વધુ એક કિસ્સો ટાંકવામાં આવ્યો છે, જેમાં રવિવારે સુરતના ઓલપાડના પરીન શાહ તેમનાં માતાનો મૃતદેહ હાથલારી પર લઈ ગયા હતા, કેમકે ગ્રામપંચાયતે સ્મશાન કે ઍમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવી આપવાની ના પાડી દીધી હતી. અહેવાલ પ્રમાણે સુરતના અશ્વિની કુમાર સ્મશાનગૃહમાં દસ દિવસમાં 1,090 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. રવિવારે આ સ્મશાનગૃહ ખાતે 15 મૃતદેહો અંતિમવિધિ માટે લાઇનમાં હતા. 
 
પ્રકાશ પટેલ કહે છે, "ગયા વર્ષે એપ્રિલમાં અમારા કુરુક્ષેત્ર સ્મશાનગૃહમાં રોજની મૃતદેહોની સરેરાશ સંખ્યા 20થી 25 હતી, પણ એક અઠવાડિયાથી રોજના 100 કે 115 મૃતદેહો અંતિમવિધિ માટે લાવવામાં આવે છે."
 
"તેના માટે અમારે છ ગૅસ ભઠ્ઠી 24 કલાક માટે ચલાવવી પડે છે. અન્ય નવ જગ્યાએ પણ લાકડાથી વિધિ કરીએ છીએ."
 
"અમારે ત્યાં જે મૃતદેહોની સંખ્યા આવે છે એ જોતાં અમારે 24 કલાક ગૅસ ભઠ્ઠીઓ ચલાવવી પડે છે, સતત ગૅસ ભઠ્ઠી ચાલતી હોવાથી ચીમનીઓ પીગળી ગઈ છે."
 
તેમણે કહ્યું કે અમારે ત્યાં લાકડાંનો પૂરતો સ્ટોક છે, કોઈ ઘટ નથી. અમે નવાં લાકડાંનો ઑર્ડર પણ આપી દીધો છે.
 
તેઓ કહે છે, "શહેરમાં અન્ય જગ્યાએ પણ સ્મશાનો શરૂ કરાયાં હોવાથી અમારે ત્યાં મૃતદેહોની સંખ્યામાં કેટલાક દિવસથી ઘટાડો થયો છે."
 
વાત કરીએ જામનગરની તો અહીં પણ કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિ માટે સ્મશાનોમાં લાંબી કતારો લાગે છે. આદર્શ સ્મશાનમાં રોજના 30થી 35 કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો અંતિમવિધિ માટે આવે છે. આદર્શ સ્મશાનના પ્રમુખ દીપક ઠક્કરે બીબીસી સાથેની વાતચીતમાં શહેરમાં કોરોના વાઇરસથી સ્થિતિ અને સ્મશાનમાં આવતા મૃતદેહો અંગે વાત કરી હતી. આદર્શ સ્મશાનગૃહમાં ઇલેક્ટ્રિકલ અને લાકડાંથી અંતિમવિધિ કરવાની વ્યવસ્થા છે.
 
સાથે-સાથે જામનગરની જીજી હૉસ્પિટલના કોવિડ વિભાગની બહાર ઍમ્બ્યુલન્સની કતારો લાગેલી છે. જામનગરની આ હૉસ્પિટલમાં દેવભૂમિદ્વારકા, મોરબી, રાજકોટ વગેરેથી જ દર્દીઓ સારવાર માટે આવે છે. રોજ 430થી 500થી વધુ કોરોના દર્દીઓ સારવાર માટે આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં કોરોનાની ભયાનક સ્થિતિ, કેસ સતત વધતા ડેથસ્પોટ બનવા તરફ