Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રૂપાણી સામે રાજકોટમાં ચૂંટણી લડનારા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું કોંગ્રેસમાંથી રાજીનામું

રૂપાણી સામે રાજકોટમાં ચૂંટણી લડનારા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું કોંગ્રેસમાંથી રાજીનામું
, મંગળવાર, 26 જૂન 2018 (12:16 IST)
કોંગ્રેસમાં કુંવરજી બાવળિયા અને પિરઝાદાનો પાર્ટી હાઇકમાન્ડ સામે ઉકળાટ ચાલે છે ત્યારે જ કુંવરજી બાવળિયાના કટ્ટર હરિફ અને રાજકોટ વિધાન સભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે જબ્બર પડકાર ઉભો કરનાર શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજયગુરૂએ પ્રદેશ કોંગ્રેસની નીતિ રીતિ સામે ખુલ્લે આમ નારાજગી વ્યકત કરી પોતાનું રાજીનામુ ધરી દીધું છે. જૂથવાદમાં રચેલી પચેલી કોંગ્રેસ વિધાન સભામાં સારો દેખાવ પચાવી શકી નથી અને કોંગ્રેસી નેતાઓ નિરંકુશ બની ગયા છે. એક મેકના વિરોધી બની ચૂકેલા અને પોતાની રાજકિય કારકિર્દી દાવ ઉપર લગાવવા તૈયાર થઇ ગયા છે. રાજકોટમાં સોમવારે સાંજે એકાએક મીડિયાને બોલાવીને ઇન્દ્રનીલે પોતાના રાજીનામાની જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે, શહેર કોંગ્રેસની કામ કાજની નીતિરીતિ સામે મને લાંબા સમયથી વાંધો હતો. વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપની સભા લેનારા કોંગ્રેસના સભ્યોને  વફાદાર નગરસેવકો અને તાલુકા પંચાયતના સભ્યોના નિરિક્ષક તરીકે મૂકી હદ કરી નાંખી હતી. આ અંગે મેં રાહુલ ગાંધી સિવાય કોંગ્રેસમા તમામ સ્તરે રજૂઆત કરી હતી. પરંતુ દરેક વખતે મને કહેવામાં આવ્યુ હતું કે પાર્ટી પોલિટિકસમાં આમ થયા કરે.  હું રાજકારણ કરવા નહી પરંતુ કોંગ્રેસના માધ્યમથી લોકસેવા માટે રાજકારણમાં આવ્યો હતો. કોંગ્રેસનું આ પ્રકારનું પ્રદેશ કક્ષાનુ રાજકારણ મને પસંદ ન હોવાથી મેં રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે. જો કે શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલે જણાવ્યુ હતું કે હું કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જનાર નથી. આજે પણ હું માનું છું કે કોંગ્રેસની વિચારધારા જ દેશમાં લોકસેવા માટે આદર્શ છે. પોતાના ભવિષ્યના પ્લાન અંગે કોઇ ચોકકસ બ્લુ પ્રિન્ટ ન હોવાનું કહેતા રાજગુરુએ જણાવ્યુ હતું કે વિધાનસભાની ચૂંટણીના પરિણામોથી મને થાક લાગ્યો છે. દિવસ રાત લોકોની સેવા કરવા છતાં અપેક્ષિત પરિણામ ન આવતાં થાક લાગ્યો છે. પરંતુ હું લોકસેવા કરતો રહીશ. તેમણે કુંવરજી બાવળિયાના નામજોગ જણાવ્યુ હતું કે તેમના દ્વારા પક્ષમાં થતી અડચણઓ રજૂઆતો અને ત્રાગાઓ બહુ સહન કર્યા. મને આજે જ એવા વાવડ મળ્યા છે કે મારી તરફેણમાં સેન્સ આપનાર 33માંથી રર કોર્પોરેટરને ગમે તે ઘડીએ કોંગ્રેસ નોટિસ પાઠવે તેમ છે. આમ પક્ષમાં કામ કરનારા વફાદારોને નોટિસ અને ભાજપની સભા લેનાર કોંગ્રેસના ગદારોને નિરિક્ષકો તરીકે માથે મારવાની નીતિ મારાથી સહન થાય તેમ ન હોવાથી મેં રાજીનામુ આપ્યુ છે. મારો અંતરાત્મા કહે છે કે કોંગ્રેસના પ્રદેશ નેતાઓની બેવડી નીતિ વચ્ચે હું કોંગ્રેસમા વધુ સમય રહી શકુ તેમ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના 11 જિલ્લામાં આવનારા 48 કલાકમાં ભારે વરસાદની આગાહી