ગત બુધવારે રાત્રે ફાટી નીકળેલા તોફાનો બાદ આજે સવારે 9 કલાકે પુનઃ ફતેપુરા અડાયીપુલ પાસે ફતેપુરા પોલીસ ચોકીની સામે જ એક ડબા બોંબ ફૂટતા અફડા-તફડી મચી ગઇ હતી. દુકાનો ખોલવાની તૈયારી કરી રહેલા વેપારીઓ અને અહીંથી પસાર થઇ રહેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ સાથે ફતેપુરા વિસ્તારમાં ઉત્તેજના પણ વ્યાપી ગઇ હતી. જોકે,આ ઘટનાના પ્રત્યાઘાત પડે તે પહેલાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બોંબ સ્ક્વોડ સાથે ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. બે દિવસ પૂર્વે શહેરના ફતેપુરા રોડ ઉપરથી રાત્રે પસાર થઇ રહેલા લગ્નના વરઘોડા ઉપર પથ્થરમારો થતાં કોમી ભડકો થયો હતો. તે બાદ આજે મુઠ્ઠીભર તત્વોએ બોંબ ફોડીને શાંતિને ડહોળવાનો પ્રયાસ કરતા શહેરમાં ચકચાર મચી હતી. શહેરના અત્યંત સંવેદનશિલ મનાતા ફતેપુરા રોડ ફતેપુરા પોલીસ ચોકી સામે જ અડાણીયા પુલ નજીક એક ફૂલમાળી ફૂલો વેચવા માટે બેસે છે. તેઓ નિયત સમયે પોતાની ફૂલોની દુકાન લગાવીને બેઠા હતા. બીજી બાજુ ફતેપુરા રોડ ઉપરના નાના-મોટા દુકાનદારો પણ પોતાની દુકાનો ખોલવાની તૈયારીઓ કરી રહ્યા હતા. તે જ સમયે ફૂલમાળીની પથારા નજીક બોંબ ફૂટતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, ફતેપુરા રોડ ઉપર ઉત્તેજના વ્યાપી ગઇ હતી અને લોકોના ટોળેટોળા રોડ ઉપર ઉતરી પડ્યા હતા.