ફરીવાર સરકારી તંત્રની નફફટાઈ ઉડીને આંખો વળગી છે. ગરીબીને નામે મત માંગનારી સરકારને પણ દયા ખાઈ ગઈ. ડાંગ જિલ્લાના વઘઈ ખાતે અન્ય જિલ્લામાંથી મજૂરી અર્થે આવેલા પરિવારના બાળકનું સીએચસી ખાતે સારવાર બાદ મોત નીપજતા સીએચસી સત્તાવાળાઓ માનવતા ભૂલી જઈ મૃતક બાળકને તેના વતન લઈ જવા શબવાહિની કે અન્ય વ્યવસ્થા ન કરી હડઘૂત કરી દેતા મજૂર મૃતક બાળકને વઘઈ બજારમાં ખભે ઉંચકી લઈ જતા અરેરાટી ફેલાઈ હતી. ઘટના અંગે કલેકટરે સીએચસીના ડોકટરો પાસે ખુલાસો માંગતા ખળભળાટ મચી ગયો છે. ડાંગ પ્રાપ્ત વિગતો પ્રમાણે ખોળાજર તા. ધાનપુર, જિ. પંચમહાલના મજૂરો મજૂરી કામ અર્થે વઘઈ ખાતે આવતા હતા. જ્યાં બાળક મિનેશ કેશભાઈ પલાસની તબિયત લથડતા તેને વઘઈ સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય જિલ્લામાંથી વઘઈ ખાતે મજૂરી અર્થે આવેલા મજૂર પરિવાર પર અણધારી આવી પડેલી આપદાથી કફોડી સ્થિતિ સર્જાઈ હતી. વઘઈ સીએચસીના ડોકટર સરોજ પટેલને મજૂર પરિવારે એમ્બ્યુલન્સ કે શબવાહિની આપવા આજીજી કરતા ફરજ પરના ડોકટરોએ એમ્બ્યુલન્સના ડ્રાઈવર રજા પર હોવાનું જણાવી મજૂરને મૃતક બાળકને લઈ જવા જણાવ્યું હતું. અત્યંત ગરીબ એવા મજૂર પરિવાર પાસે પૈસાની કોઈ વ્યવસ્થા ન હોય મૃતક બાળકના કાકા બોળાભાઈ દિપાભાઈ તડવીએ મૃત બાળકને ખભે ઉંચકી કામના પડાવ પર જવા વઘઈ બજારમાંથી લઈ જઈ રહ્યા હતા ત્યારે કેટલા આગેવાનોને દયા ઉપજતા મૃતકને ખાનગી વાહનમાં લઈ જવા મદદ કરી વહીવટીતંત્ર સામે ફિટકાર વરસાવ્યો હતો.