વિધાનસભામાં ચાલી રહેલી પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યમાં દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ કેસ અંગે પ્રશ્ન પૂછાયો હતો. જેમાં સરકાર જણાવ્યું હતું કે રાજ્યમાં દરરોજ સરેરાશ 4 દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ દુષ્કર્મના કેસ અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા કેસ ડાંગ જિલ્લામાં નોંધાયા છે.
વિપક્ષે રાજ્યમાં થયેલા દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના કેસ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 2723 દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના કેસ નોંધાયા છે. તેમજ કેટલાક કિસ્સાઓમાં દુષ્કર્મના આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં દુષ્કર્મની ઘટના અંગે વિપક્ષ ના નેતા પરેશ ધનાણીએ ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દરરોજ ત્રણ ચાર દીકરીઓ પિંખાય છે, તે આપણા સૌ માટે શરમની બાબત છે, મારે પણ દીકરીઓ છે, તેથી મને પણ ચિંતા થાય છે કે મારી દીકરીઓ પણ સલામત છે કે કેમ?
આ મુદ્દે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બનતી દુષ્કર્મની ઘટનાઓને ડામવા માટે ઉચ્ચ કક્ષાની સમિતિ બનાવામાં આવી છે, દુષ્કર્મની મોટા ભાગની ઘટનાઓમાં પ્રેમ પ્રકરણ હોવાનું જણાયું છે, ગુજરાતનો ક્રાઈમ રેટ દેશના અન્ય રાજ્યો કરતા બહુ ઓછો છે, છતાં ગુજરાત સરકાર આ મામલે ગંભીર છે.
પ્રશ્નોત્તરી દરમિયાન જણાવવામાં આવેલા જિલ્લાવાર આંકડાઓ પ્રમાણે અમદાવાદમાં 540, સુરતમાં 452, રાજકોટ 158, બનાસકાંઠા 150, વડોદરા 139, કચ્છ 128, અમરેલી 81, દાહોદ 76, ભાવનગર 77, જૂનાગઢ 65, પાટણ 64, જામનગર 56, સાબરકાંઠા 56, ગીર-સોમનાથ 50, પંચમહાલ 49, સુરેન્દ્રનગર 47, તાપી 39, મહેસાણા 39, વલસાડ 38, મહીસાગર 36, દેવભૂમિ-દ્વારકા 35, છોટાઉદેપુર 34, નર્મદા 34, મોરબી 34, ખેડા 34, આણંદ 32, ગાંધીનગર 27, નવસારી 25, પોરબંદર 24, અરવલ્લી 24, બોટાદ 22, ડાંગ 9 જેટલા દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના કેસ નોંધાયા છે.