રોજગારી આપવામાં દેશના અન્ય ૧૦ રાજ્યોની યાદીમાં ગુજરાતનો સમાવેશ થતો નથી એવા સંદર્ભના ગુજરાત કોંગ્રેસના નિવેદન સામે હવે, ગુજરાત સરકારે એવો દાવો કર્યો છે કે, રોજગારી પૂરી પાડવામાં ગુજરાત દેશ આખામાં પ્રથમ નંબરે છે. ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતાં લોકો ખોટી માહિતીઓ આપીને ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે. રાજ્યના શ્રમ-રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું છે કે, ગુજરાત, દેશનું મોડેલ સ્ટેટ છે એટલે ગુજરાત વિરોધીઓને તે આંખમાં કણાંની જેમ ખૂંચે છે.
તેઓ બેફામ નિવેદનો કરીને ગુજરાતને બદનામ કરી રહ્યાં છે પણ તેમને સારી રીતે ઓળખે છે. તેમણે કહ્યું હતું કે, ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ગુજરાત દેશમાં રોજગારી આપવામાં અગ્રીમ છે. વર્ષ ૨૦૦૨થી ગુજરાત પ્રથમ છે. ૨૦૧૫માં રોજગાર કચેરીઓ દ્વારા ૪૮,૭૯૬ મહિલાને રોજગારી અપાઈ હતી. જ્યારે સમગ્ર દેશમાં ૬૦,૭૯૬ મહિલાને જ રોજગારી મળી શકી હતી. બીજા ક્રમે કેરળમાં માત્ર ૩૬૦૬ મહિલાને રોજગારી મળી હતી. રિપોર્ટ ઓન ફિફ્થ એન્યુઅલ એમ્પલોયમેન્ટ એન્ડ અન-એમ્પલોયમેન્ટ સર્વે ૨૦૧૫-૧૬ પ્રમાણે ભારતનો બેરોજગારી દર (દર એક હજારે) ૫૦નો હતો. જેની સામે ગુજરાતમાં તે દર માત્ર ૯નો હતો. ૨૦૧૭-૧૮માં ગુજરાતમાં કુલ ૩,૯૯,૩૨૭ જણાને રોજગારી પૂરી પડાઈ હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે તો મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના પણ શરૂ કરી છે. જેમાં એકમોમાં પ્રતિ એપ્રેન્ટીસને માસિક પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે. ગુજરાતમાં ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તાલીમ અપાય છે. ગુજરાતમાં કૌશલ્ય તાલીમના ક્ષેત્રે ૧૦ લાખથી વધારે છે. હાલમાં એપ્રેન્ટીસશીપ યોજનામાં ગુજરાત એકમોની નોંધણી અને એપ્રેન્ટીસોની સંખ્યામાં પણ ગુજરાત રાષ્ટ્રમાં મોખરે છે..