રિપીટર વિદ્યાર્થીઓ માસ પ્રમોશનની માંગ સાથે આંદોલન પર ઉતર્યા, પોલીસે કરી અટકાયત
, શનિવાર, 10 જુલાઈ 2021 (19:45 IST)
રાજ્યમાં કોરોનાના કારણે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ 15 જુલાઈથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે રિપીટર વિદ્યાર્થીઓ માસ પ્રમોશનની માંગ સાથે આંદોલન પર ઉતર્યા છે. ગાંધીઆશ્રમ ખાતે રિપીટર વિદ્યાર્થીઓ એકઠા થઇ માસ પ્રમોશનની માંગ કરી હતી.
15 જુલાઇથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઇ રહી છે. ત્યારે ગાંધી આશ્રમ ખાતે આંદોલન કરી રહેલા રિપીટર વિદ્યાર્થીઓને ખસેડવા માટે રાણીપ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ગાંધીઆશ્રમમાં વિદ્યાર્થીને બહાર કાઢ્યા હતા અને કેટલાક વિદ્યાર્થીને અટકાયત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આર્ટિકલ 14 મુજબ સમાનતાનો અધિકાર મળવો જોઈએ તેવી અરજદારે રજૂઆત કરી છે. અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે એક જેવી પરિસ્થિતિના કારણે કાયદો બધા માટે સમાન છે.
નોંધનીય છે કે 13 જુલાઈએ હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. 15 જુલાઈથી શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કર્યું છે.
મહત્વનું છે કે, ધોરણ 10 બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈથી પરીક્ષા શરૂ થવાની છે. અને બોર્ડની વેબસાઈટ પર હોલટિકિટ પણ જાહેર કરી દેવાઈ છે. gseb.org અને gsebht.in વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મેળવવાની રહેશે. જો કે, આ અગાઉ કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ માસ પ્રમોશન માટે લડત કરી રહ્યા છે.
આગળનો લેખ