Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વરસાદ નહીં વરસતા રાજ્યમાં તોળાઈ રહ્યું છે મોટું જળસંકટ

વરસાદ નહીં વરસતા રાજ્યમાં તોળાઈ રહ્યું છે મોટું જળસંકટ
, શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (20:02 IST)
ગુજરાતમાં  જુલાઈના બીજા સપ્તાહ પછી વરસાદ વરસ્યો નથી. છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ નહીં વરસતા રાજ્યમાં મોટું જળસંકટ તોળાઈ રહ્યું છે. જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણસર વરસાદ વરસ્યો હતો, પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થયો નથી.  ઓગસ્ટ મહિનાનું પહેલું સપ્તાહ પણ પૂરું થવામાં છે ત્યારે ગુજરાતના મોટાભાગના જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં વરસાદની ખેંચના કારણે જળસંકટ ઘેરું બને તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે. બીજી તરફ, ખેડૂતોની હાલત કફોડી બની છે. શરૂઆતના તબક્કામાં વરસાદના પગલે લખો હેક્ટરમાં વાવણી થઇ ગઈ છે પણ હવે વરસાદ નહીં વરસતાં ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે.
 
વરસાદના ચિત્રની વાત કરીએ તો ગુજરાતના 18 તાલુકાઓમાં 50 ટકાથી ઓછો વરસાદ થયો છે જયારે 9 તાલુકાઓમાં 10 ટકાથી ઓછો વરસાદ થયો છે. કચ્છમાં 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 28.16 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 30.08 ટકા, સૌરાષ્ટ્રમાં 31.89 ટકા વરસાદ નોંધાયો છે. જુલાઈમાં ત્રણ વરસાદ સારા થયા પછી વરસાદની ખેંચ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 35.84 ટકા જ વરસાદ નોંધાયો છે. લાખાણી અને થરાદ આ બંને તાલુકા એવા છે જ્યાં બે ઇંચ કરતા પણ ઓછો વરસાદ થયો છે છતાં કિસાનોએ આશા સાથે વાવણી કરી છે.
 
 
સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વખતે પણ ખુબ સારું વાવેતર થયું છે પણ વરસાદની ખેંચના કારણે કપાસમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે. ગુજરાતમાં કપાસનું વાવેતર સરેરાશ 25.53 લાખ હેક્ટરમાં થાય છે. આ વખતે 22.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, એટલે સરેરાશ વાવેતર સુધી પહોંચવું મુશ્કેલ થશે. એવી જ રીતે મગફળીનું વાવેતર 18.93 લાખ હેક્ટર સુધી અટકી ગયું છે. ગયા વર્ષે મગફળીનું વાવેતર 20.37 લાખ હેક્ટરમાં હતું. પણ વરસાદના અભાવે મગફળીના પાકમાં સુકારો શરુ થઇ ગયો છે જગતાત મુશ્કેલીમાં મુકાયો છે.
 
દુષ્કાળના ભણકારા
ગુજરાતમાં વરસાદ ખેંચાતા દુષ્કાળના ભણકારા વાગવા લાગ્યા છે. મોટાભાગના જળાશયો ખાલી છે. સુરેંદ્રનગરના 11 ડેમમાં માત્ર 17 ટકા જ પાણી છે. એમાંથી નીંભણી, મોરસલ અને સબૂરી એમ ત્રણ જળાશયો તો તળિયા ઝાટક છે. આવી જ હાલત ગુજરાતના તમામ જિલ્લાઓની છે. ઓગસ્ટમાં ગુજરાતના 50 ટકાથી વધુ ડેમ ભરેલા હોય છે પણ આ વખતે 61 ટકાથી વધુ ડેમ ખાલી જેવા છે. જો ગુજરાતમાં ખુબ સારો વરસાદ નહીં આવે, અને ડેમ ભરાશે નહીં તો આવનારા દિવસોમાં ગુજરાતે દુષ્કાળનો સામનો કરવો પડશે. ગયા વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં જામનગર જિલ્લામાં મોસમનો 107 ટકા વરસાદ વરસી ગયો હતો જ્યારે આ વખતે મોસમનો માંડ 34 ટાકા જ વરસાદ વરસ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાઇકોર્ટમાં કોરોના કાળના 16 મહિના બાદ ફિઝિકલ હિયરિંગ શરૂ થશે, તમામ માટે SOPનું પાલન કરવું આવશ્યક