સાબરમતી વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ ફરી શરૂ થયું છે. પીઆઇની બદલી થતાં જ ચોરી અને લૂંટફાટની ઘટનાઓ ફરી શરૂ થઈ છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાંથી રૂ. 45 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી અજાણ્યો શખસ ફરાર થઈ ગયો હતો. ચોરી કરનાર શખસે વેપારીની રેકી કરી પીછો કર્યો હતો અને ડેકીમાંથી દુકાનની ચાવીઓ ચોરી લઈ દુકાન ખોલી ચોરી કરી હતી. સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નારણપુરા વિસ્તારમાં હરિપાર્ક સોસાયટીમાં જિતેન્દ્ર શાહ તેમના પરિવાર સાથે રહે છે. ન્યૂ રાણીપમાં આવેલા આકાશ રેસિડેન્સીમાં પાયલ જ્વેલર્સ નામે શો રૂમ ધરાવે છે. જિતેન્દ્રભાઈ મંગળવારે રાબેતા મુજબ દુકાન ખોલી હતી. બપોરે એક થેલીમાં બેંકની સ્લિપ વગેરે મૂકી દુકાન બંધ કરી અને અન્ય એક જ્વેલર્સમાં ગયા હતા. ત્યાંથી થેલીમાં ચાવી મૂકી અને ડેકીમાં થેલી રાખી ઘરે જમવા ગયા હતા. ઘરેથી દુકાને આવ્યા ત્યારે શો રૂમનો દરવાજો ખુલ્લો હતો અને અંદર જઈને જોતાં દુકાનમાંથી મોટા ભાગના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. દુકાનની અસલ ચાવીનો ઝુડો દુકાનમાં જ પડ્યો હતો.શો રૂમમાં લાગેલા સીસીટીવી જોતાં 30થી 35 વર્ષનો શખસ દુકાનમાં અસલ ચાવીના ઝુડાથી તાળાં ખોલી અંદર પ્રવેશી રૂ. 45 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. અજાણ્યા શખસે જિતેન્દ્રભાઈની રેકી કરી તેમના ઘર પાસેથી ડેકીમાંથી ચાવી કાઢી લઈ દુકાન ખોલી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે સાબરમતી પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.