Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વૃદ્ધે પત્નીના દાગીના ગીરવી મૂકી પડોશીની આર્થિક તકલીફ દૂર કરી, પણ પૈસા પરત માગતાં હત્યા કરી નાંખી

વૃદ્ધે પત્નીના દાગીના ગીરવી મૂકી પડોશીની આર્થિક તકલીફ દૂર કરી, પણ પૈસા પરત માગતાં હત્યા કરી નાંખી
, બુધવાર, 6 જાન્યુઆરી 2021 (11:01 IST)
સામાન્ય રીતે જ્યારે કોઈ મદદ ન આવે ત્યારે સૌથી પહેલા પાડોશી જ મદદ માટે દોડી આવે છે. શાહપુરમાં પડોશમાં વર્ષોથી રહેતા પરિવારને મદદ કરવી એક વૃદ્ધને ભારે પડ્યું. લાખો રૂપિયા પરત મળવાની જગ્યાએ તેમને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવમાં મહિલાઓ સહિત પાંચ સામે શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શાહપુર નાગોરીવાડમાં રહેતા નિવૃત્ત કર્મચારી અશ્વિનભાઈ ભુદરભાઈ દાતણિયાને તેમના પડોશમાં રહેતા મનુભાઈ કાપડિયા સાથે સારા પારિવારિક સંબંધો હતા.

બન્ને પરિવાર વચ્ચે સારા સંબંધો હોવાથી એકબીજાના ઘરે અવરજવર રહેતી હતી. મનુભાઈને આર્થિક તકલીફ હોવાથી તેમણે અશ્વિનભાઈ પાસે 25 લાખની મદદ માગી હતી, જેથી અશ્વિનભાઈએ પોતાની પાસે 25 લાખ ન હોવાથી 13.50 લાખની રકમ ઉધાર આપી મનુભાઈને મદદ કરી હતી. મનુભાઈએ ફરી રકમ માગતાં અશ્વિનભાઈએ પત્નીના દાગીના ગીરવી મૂકી ફરી મદદ કરી હતી. મનુભાઈએ આ રકમ પોતે બેંકની નોકરીમાંથી નિવૃત્ત થશે ત્યારે ચૂકવી દેશે એવી ખાતરી આપી હતી. બાદમાં મનુભાઈ એપ્રિલ 2020માં નિવૃત્ત થતા હોવાથી અશ્વિનભાઈએ માર્ચ 2020માં તેમને પૈસા પરત ચૂકવવાનું કહ્યું હતું. મનુભાઈને નિવૃત્ત થયે અનેક મહિના વીતી ગયા છતાં પણ તેમણે પૈસા પરત આપ્યા નહિ. મંગળવારે ઘર પાસેથી પસાર થતા મનુભાઈ અને તેમનાં પત્ની ઉષાબેનને અશ્વિનભાઈએ ઊભા રાખી પૈસા ચૂકવવાના વાયદાની તારીખ હોવાથી રકમ પરત માગી હતી. મનુભાઈએ સાંજે અશ્વિનભાઈને ઘરે બોલાવ્યા હતા. સાંજે અશ્વિનભાઈ, પત્ની અને પુત્રી ધર્મિષ્ઠા સાથે મનુભાઈના ઘરે ગયાં હતાં. આ દરમિયાન મનુભાઈ તેમનાં પત્ની ઉષાબેન, પુત્રીઓ પારુલ, સોનલ અને પુત્ર પરાગ એમ પાંચે જણે અશ્વિનભાઈ સાથે ઝઘડો કરી તેમને તથા તેમનાં પત્ની અને પુત્રીને ધક્કા મારી ઘરની બહાર કાઢ્યા હતા. મનુભાઈ અને પરાગ બન્ને જણ અશ્વિનભાઈને ગડદાપાટુનો માર મારતાં તેઓ સ્થળ પર પડી ગયા હતા. ઈજાને કારણે અશ્વિનભાઈને છાતીની ડાબી બાજુથી લોહી નીકળવા લાગ્યું હતું. આ બનાવને પગલે ઘરે હાજર અશ્વિનભાઈના બન્ને પુત્ર સ્થળ પર પહોંચ્યા અને તેમને સારવાર માટે ખસેડયા હતા. આ દરમિયાન અશ્વિનભાઈનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે શાહપુર પોલીસે મૃતક અશ્વિનભાઈના પુત્ર દુષ્યંતની ફરિયાદને આધારે આરોપી મનુભાઈ કાપડિયા, તેની પત્ની ઉષાબહેન, પુત્રીઓ સોનલ, પારુલ અને પુત્ર પરાગ વિરુદ્ધ હત્યા અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CM ઓફિસના વધુ 8 કર્મચારીઓ કોરોના પોઝિટિવ, કુલ આંકડો થયો આટલો