Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રીએ રાજ્યમાં 919 કિ.મી લંબાઇના 94 માર્ગોના વિકાસ માટે 2213.60 કરોડ રૂપિયા મંજૂર કર્યા

મુખ્યમંત્રીએ રાજ્યમાં 919 કિ.મી લંબાઇના 94 માર્ગોના વિકાસ માટે 2213.60 કરોડ રૂપિયા મંજૂર કર્યા
, બુધવાર, 17 મે 2023 (10:58 IST)
મેટ્રો શહેરોને જોડતા 8 માર્ગોને પહોળા કરવા માર્ગ સુધારણા માટે 247 કરોડ રૂપિયા ફાળવાશે
બંદરો-ઔદ્યોગિક વિસ્તારોને જોડતા માર્ગો ફોર લેન કરવા 147 કરોડ રૂપિયા 
 
 
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વાંગી વિકાસની તેજ ગતિને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની નેમ સાથે નાના ગામથી માંડીને મેટ્રો શહેર સુધી રાજ્યના માર્ગ-મકાન વિભાગ હસ્તકના 919 કિ.મીટર લંબાઇના 94 માર્ગોના વિકાસ કામો માટે 2213.60 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ-વેપાર વગેરેની પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ સાથે વાહન યાતાયાત પણ દિન-પ્રતિદિન મોટા પ્રમાણમાં વધ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો નવતર અભિગમ અપનાવી બંદરો, ઔદ્યોગિક કેન્દ્રો, મહાનગરો તેમજ પ્રવાસન સ્થળોને જોડતા સ્ટેટ હાઇવેઝને ફોરલેન, 10 મીટર પહોળા અને માર્ગ મજબૂતીકરણ, પૂલો, બાયપાસ સહિતના 94 કામો માટે આ માતબર રકમ મંજૂર કરી છે.
 
467.09 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા
આ વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલી પરિક્રમા પથ યોજના અન્વયે 17 જિલ્લાઓમાંથી પસાર થતા 37 રસ્તાઓની 289.32 કિ.મીટર લંબાઇને 10 મીટર પહોળી કરવા માટે 467.09 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, આણંદ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર તેમજ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ પરિક્રમા પથ યોજનાની કામગીરી માર્ગ-મકાન વિભાગ હાથ ધરશે. મુખ્યમંત્રીએ ઇઝ ઓફ લિવિંગ વધારવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યમાં વિશ્વકક્ષાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવાનો ધ્યેય પણ માર્ગોના વિકાસ માટેની મંજૂરીમાં કેન્દ્રસ્થાને રાખ્યો છે. 
 
ફોરલેન 10 મીટર પહોળા કરવા માટે પણ ફાળવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સુરત, રાજકોટ અને ગાંધીનગર જેવા મેટ્રો શહેરોને જોડતા 8 રસ્તાઓની 117.71 કિ.મીટર લંબાઇના માર્ગો પહોળા કરવા, માર્ગ સુધારણા માટે 247.35 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યના માર્ગોને વધુ ટકાઉ બનાવવા માટે અદ્યતન વ્હાઇટ ટોપિંગ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા 3 સ્ટેટ હાઇવેઝની 16.40 કિ.મી લંબાઇની કામગીરી માટે 66  કરોડ રૂપિયાના કામોની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. મુન્દ્રા, દહેજ પોર્ટ તથા સાવલી, ઝઘડીયા વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને જોડતા 10 રસ્તાઓની 177.50 કિ.મી લંબાઇના ફોરલેન 10 મીટર પહોળા કરવા માટે 146.81 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. 
 
જરૂરિયાત હોય ત્યાં રસ્તાઓને વધુ પહોળા કરવા
રાજ્યમાં વડનગર, પાવાગઢ, ધરોઇ-અંબાજી, જાંબુઘોડા, સાસણગીર અને સોમનાથની ટુરિસ્ટ સરકીટને જોડતા 10 માર્ગોની 142.46 કિ.મી લંબાઇને 10 મીટર પહોળા કરવા માટે 105.28 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યમાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં હયાત રસ્તાઓને વધુ પહોળા કરવા, નવા પૂલો, ફલાય ઓવરનું નિર્માણ તથા ટ્રાફિકનું ભારણ હળવું કરવા શહેરોના બાયપાસ રોડ બનાવવાની કામગીરી સહિતના રોડ નેટવર્કને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વ્યાપકપણે વિસ્તારવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર, અમરેલી અને ખેડા જિલ્લામાંથી પસાર થતા 3  રસ્તાઓની 71.73 કિ.મીટર લંબાઇને પ્રગતિ પથ યોજના હેઠળ ફોરલેન કરવા માટે 445.25 કરોડ રૂપિયા તેમણે મંજૂર કર્યા છે. 
 
મહત્વના સ્થળોને ગ્રામ્ય માર્ગો તેમજ ઘોરીમાર્ગો સાથે જોડાશે
આ ઉપરાંત મહેસાણા-પાલનપૂર સીક્સલેન રોડને હાઇસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે ફલાય ઓવર/વી.યુ.પી અને પૂલના નિર્માણ માટે 465 કરોડ રૂપિયા, વાપી, વલસાડ, રાધનપુર, અમરેલી, લુણાવાડા, સંતરામપૂર અને લૂણી તથા મોટા કાંડાગરા જેવા સ્થળોએ શહેરોના બાયપાસ રોડની કામગીરી માટે જમીન સંપાદન/બાંધકામ હેતુસર 158.15 કરોડ રૂપિયા તેમજ ડૂબાઉ પૂલના સ્થાને હાઇ લેવલ પૂલ, પૂલોના મજબૂતીકરણ, રસ્તાઓ પહોળા કરવાના કામો માટે પણ મુખ્યમંત્રીએ 112.07 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યના તમામ ગામો અને અન્ય મહત્વના સ્થળોને ગ્રામ્ય માર્ગો તેમજ ઘોરીમાર્ગોના સુઆયોજિત નેટવર્કથી જોડવામાં આવેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી વર્ષોમાં આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી વધુ વેગથી આગળ ધપાવવાની દીર્ઘદ્રષ્ટિ સાથે આ વર્ષના બજેટમાં માર્ગ-મકાન વિભાગ માટે સમગ્રતયા 20642 કરોડની જોગવાઇ પણ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2023 : આ ટીમ જીતશે IPLનો ખિતાબ, 15માંથી 13 વખત થયું છે આ કારનામું