લૉકડાઉન અને કોરોના મહામારીની વચ્ચે લોકોનુ માનસિક આરોગ્ય કથળે છે. આ સ્થિતિને હલ કરવા કેડિલા ફાર્માસ્યુટિકલ્સે લોકોને સહાય કરવા માટે કેટલાક કાર્યક્રમો હાથ ધર્યા છે. કેડિલાની ‘કેર અને કોશન’ (સંભાળ અને સાવચેતી) ઝુંબેશ હેઠળ દેશભરના માનસશાસ્ત્રીઓ એકત્ર થઈને લોકો લૉકડાઉન પછી તંદુરસ્ત બની બહાર આવી શકે તે માટે શું પગલાં લઈ શકે તે અંગે ચર્ચા કરી હતી. આ ડોકટરોએ માનસિક આરોગ્યના વિવિધ મુદ્દાની ચર્ચા કરીને એકબીજા સાથે જ્ઞાન અને માહિતીનુ આદાન પ્રદાન કર્યુ હતું જેથી દરેક વ્યક્તિ પોતાને જરૂરી હોય તે સહાય મેળવી શકે.
જીઆઈપીએસ હૉસ્પિટલ, અમદાવાદના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ ડો. રાજેશ મણીયારે જણાવ્યું હતું કે “જ્યારે દરેક વ્યક્તિ ઘરે સાવચેતી લેવાની વાત કરે છે ત્યારે હેલ્થકેર વર્કર્સ અને આવશ્યક સેવાઓના પ્રોફેશનલ્સ બહાર આવીને લોકો સરળતાથી કામગીરી કરી શકે તે માટે કામ કરી રહ્યા હોય છે. તેમને પણ ગભરાટ અને થાકનો અનુભવ થતો હોય છે. તેમણે કટોકટીભરી હાલતમાંથી બહાર આવીને થોડો વિરામ લેવો મહત્વનુ બની રહે છે.”
જીઆઈપીએસના માનસશાસ્ત્રી ડો. હિમાંશુ દેસાઈએ જણાવ્યું હતું કે “મોટી વયના જે લોકો એકલા રહેતા હોય તેમના માટે પરિસ્થિતિ પડકારજનક હોય છે. પોતાની શારિરિક બીમારી ઉપરાંત તેમને જે એકલવાયાપણુ લાગે છે, તેના કારણે માનસિક આરોગ્યના વિવિધ સવાલો ઉભા થઈ શકે છે. આથી હું દરેકને સલાહ આપુ છું કે વૃધ્ધ લોકોને મળતા રહેવુ જોઈએ અને તેમને સમય ફાળવવો જોઈએ”
સિવિલ હૉસ્પિટલ, અમદાવાદના એચઓડી, ડો. મિનાક્ષી પરીખ કોરોના વાયરસની અસર પામેલા દર્દીઓના સંબંધીઓને સંદેશો આપતાં જણાવ્યું હતું કે “જો તમે કોરોના વાયરસના દર્દીના સંસર્ગમાં આવ્યા હોતો તમારે ચોકકસ 14 દિવસના સેલ્ફ ક્વોરેન્ટાઈનમાં જવુ પડે છે. આ સ્થિતિમાં તાણ અને ચિંતા ઉભી થવા ઉપરાંત તમને એકલવાયાપણુ લાગતુ હોય છે. આવી સ્થિતિમાં તમારે સારો મિજાજ જાળવી રાખવાનુ મહત્વનુ બની રહે છે. તમારે મિત્રો અને પરિવારના લોકો સાથે વાતો કરતા રહેવુ જોઈએ. નકારાત્મક સમાચારોથી દૂર રહેવુ જોઈએ અને આશાવાદી બની રહેવુ જોઈએ. ”
હિંમતનગરના ડો. નટુ પટેલ અને સુરતના ડો. મહેશ દેસાઈ જનતાને કેટલીક ઉપયોગી માહિતી આપતાં જણાવે છે કે “તમારી જાતને વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો, તમારો સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરો અને રસોઈ, વાચન વગેરે પ્રવૃત્તિઓમાં પરોવાયેલા રહો. આવી પ્રવૃત્તિઓથી તમારા શરીરમાં એન્ડોર્ફિન્સ છૂટે છે અને તમે તમારી જાતને સક્રિય રાખી શકો છે. ”
વરિષ્ઠ માનસશાસ્ત્રી ડો. વિજય નાગેચાએ જણાવ્યું હતું કે “ જો પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બને તો તમે ફોન ઉપર અથવા તો ઓનલાઈન પોર્ટલ ઉપર પ્રોફેશનલ સહાય લઈ શકો છો. જો તમે મદદ લેવાની વૃત્તિ રાખશો તો વધુ મજબૂત થઈ બહાર આવશો. કેડિલા ફાર્માસ્યુટિકલ્સ તેના ‘કેર એન્ડ કોશન’ પ્રોગ્રામની સાથે સાથે લોકોના આરોગ્ય માટે અન્ય પગલાં પણ લેતી હોય છે. કેડિલાએ ટોચના પ્રોફેશનલ્સને મળીને ગુજરાત માટે ‘કેર કનેક્ટ’ નામની હેલ્પલાઈન પણ શરૂ કરી છે.
આ હેલ્પલાઈન મારફતે લોકો રજીસ્ટર્ડ મેડિકલ પ્રોફેશનલ્સનો સંપર્ક કરીને અત્યંત તાકીદના ના હોય તેવા મુદ્દા હલ કરી શકે છે. કેર કનેક્ટ એ એક અનોખી પહેલ છે કે જેમાં રાજ્યના ડોકટરો સ્વેચ્છાએ પોતાનો સમય ફાળવીને કોઈને પણ જરૂર હોય તો તબીબી સહયોગ પૂરો પાડતા હોય છે. લોકો ઘરેથી 6356902900 નંબર ડાયલ કરીને પોતાની જાતને જોખમમાં મુક્યા વગર તબીબી સહાય મેળવી શકે છે.