અમદાવાદના ગોમતીપુરમાં બિલ્ડીંગ ધરાશાયી, 26 વધુ લોકોનુ રેસ્ક્યુ
, શુક્રવાર, 30 જૂન 2023 (11:31 IST)
અમદાવાદ. આજે સવારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ ક્વાર્ટર્સમાં સીડીનો ભાગ ધરાશાયી થયો હતો. જેના પગલે દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા રેસ્ક્યુની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ફુલ 26 જેટલા લોકોને સહી સલામત નીચે ઉતાર્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બનાવવામાં આવેલા ક્વાર્ટર વર્ષોથી જર્જરીત હાલતમાં છે. અનેક ક્વાર્ટર્સ રહેવા લાયક ન હોવા છતાં પણ હજારો લોકો તેમાં આજે વસવાટ કરી રહ્યા છે. રોજબરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ક્વાર્ટર્સમાં હવે કોઈ પણ ભાગ તૂટવાની ઘટના બને છે. આજે વહેલી સવારે સ્લમ કવાર્ટર્સમાં સીડીનો ભાગ આખો ધરાશાયી થયો હતો. જોરદાર અવાજ આવવાની સાથે જ ઉપરના માળે રહેતા લોકો બહાર નીકળ્યા હતા. નીચે જવા માટે સીડીનો જે ભાગ છે તે ધરાશાયી થયો હોવાના કારણે અવર-જવરનો રસ્તો બંધ થઈ ગયો હતો.
ફાયરબ્રિગેડની ટીમ દ્વારા સીડી મૂકી અને એક બાદ એક વ્યક્તિને નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિતના 26 વધુ લોકોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા. ગોમતીપુરના આ સ્લ્મ ક્વાર્ટર્સ 30 વર્ષથી વધુ જૂના હતા. આ મકાનો ખૂબ જ જર્જરીત અને ભયજનક છે. ચોમાસાનો સમય છે અને મોટાભાગના જર્જરીત મકાનો છે, છતાં કર્મચારીઓ આવા મકાનોમાં રહે છે.
આગળનો લેખ