Bhavnagar News સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનાર ડમી કાંડ મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર નામ નહીં બોલવાની શરતે પૈસા લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો ત્યાર બાદ તેમનું નિવેદન લેવા માટે ભાવનગર પોલીસ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ભાવનગર ડીવાયએસપી કચેરીએ યુવરાજસિંહને હાજર રહેવાનું હતું. જો કે તેઓ આજે ખરાબ તબિયતને કારણે હાજર નહોતા થયાં અને તેમણે 10 દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ પોલીસે તેમને ફરીવાર સમન્સ મોકલ્યું હતું. હવે તેમને 21 તારીખે બપોરે 12 વાગ્યે હાજર રહેવા જણાવ્યું છે.
તમામ પ્રશ્નોના જવાબ દેવા તૈયાર છુંઃ યુવરાજસિંહ
રેન્જ આઈજી દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવી હતી. આ અંગે યુવરાજસિંહે આજે સવારે મીડિયાને જણાવ્યું હતું કે જે પ્રમાણે પોલીસે મને CRPC પ્રમાણે 160 મુજબ સમન્સ પાઠવ્યું છે એનો જવાબ દેવો મારી એક નાગરિક તરીકે ફરજ બને છે, તમામ પ્રશ્નોના જવાબ દેવા તૈયાર છું, પરંતુ જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો અથવા ખોટું પ્રેશર આપવામાં આવશે તો જે ખોટી બાબતોને ક્યારે સાચી માની લેવામાં આવશે નહીં. વર્તમાનમાં ડમીકાંડમાં મારી સામે જે પણ પ્રશ્નોના જવાબો આપવા બંધાયેલો છું. ડમીકાંડમાં આંકડો સામે આવી રહ્યો છે કે 36 લોકો જ સંકળાયેલા છે, પરંતુ હું માની રહ્યો છું કે આનાથી પણ વધુ લોકો સંકળાયેલા હોઈ શકે છે.