Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, જમીનનો બાનાખત કરાવી 80 લાખ પડાવી લીધા

Fake PMO official Kiran Patel
અમદાવાદ , મંગળવાર, 18 એપ્રિલ 2023 (16:49 IST)
18 એપ્રિલ સુધી કિરણ પટેલ રિમાન્ડ પર છે ત્યાર બાદ વધુ એક ફરિયાદની તપાસ થાય તેવી શક્યતાઓ
અગાઉ અમદાવાદમાં એક ઈવેન્ટ કંપનીના માલિકને 3.51 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો 
 
 મહાઠગ કિરણ પટેલ 18 એપ્રિલ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ પર છે. તેની સામે એક ઈવેન્ટ કંપનીના માલિકે 3.51 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. પરંતુ હવે કિરણનો ગાળિયો વધુ મજબૂત થતાં તેની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતાં એક વ્યક્તિએ 80 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. આગામી દિવસોમાં ક્રાઈમ બ્રાંચ આ ફરિયાદને લઈને તપાસ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 
 
80 લાખ રૂપિયાની ડીલ નક્કી થઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રહેતાં દિપસિંહ ચાવડા નામના બિલ્ડરે કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પ્રમાણે દિપસિંહની કિરણ સાથે સાબરમતી જેલ ખાતે મુલાકાત થઈ હતી. તેણે તે વખતે દિપસિંહ પાસે ઉછીના પૈસા માંગ્યા હતાં. પરંતુ દિપસિંહે પૈસા આપવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ કિરણ પટેલે તેમને ફોન કરીને બોપલમાં રૂબરૂ મળવા માટે બોલાવ્યા હતાં અને નારોલમાં તેની વડિલોપાર્જિત જમીન વેચવાની વાત કરી હતી. ત્યાર બાદ દીપસિંહ અને કિરણ આ જમીન જોવા માટે ગયા હતાં અને ત્યાં 80 લાખ રૂપિયાની ડીલ નક્કી થઈ હતી. 
 
બાનાખત કરાવી 80 લાખ રૂપિયા પડાવ્યા
ત્યારબાદ નારોલ સબરજિસ્ટ્રાર કચેરીમાં બાનાખત તૈયાર કરવામાં આવ્યો હતો અને એડવાન્સમાં 25 લાખ રૂપિયા કિરણને આપવામાં આવ્યા હતાં. બાનાખત તૈયાર થતાં 6 મહિનામાં જમીનનો દસ્તાવેજ તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બાકીના 55 લાખ રૂપિયા કિરણને દીપસિંહે આપ્યા હતાં. પૈસા લીધા બાદ કિરણ પટેલે દસ્તાવેજ માટે ગલ્લાતલ્લા કર્યા હતાં અને દીપસિંહે તેને નોટીસ મોકલાવી હતી. પરંતુ તેણે કોઇ જવાબ આપ્યો નહોતો. ત્યાર બાદ તેના ઘરે ધક્કા ખાતા તેની પત્નીએ પણ સરખા જવાબો નહોતા આપ્યા. 
 
ક્રાઈમ બ્રાંચ આગામી દિવસોમાં તપાસ શરૂ કરશે
થોડા દિવસો પછી કિરણ પટેલનો દીપસિંહ પર ફોન આવ્યો હતો અને તેણે પીએમઓ ઓફિસમાં કામ કરતો હોવાની વાત કરીને વોટ્સએપ પર વિઝિટિંગ કાર્ડની કોપી મોકલી આપી હતી. કિરણ સામે તેમણે જમીનનો દસ્તાવેજ કરવાનો હોવાથી તેની સામે ફરિયાદ નહોતી નોંધાવી પણ હવે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. અગાઉ પણ એક ઈવેન્ટ કંપનીના માલિકે કિરણ પટેલ સામે 3.51 લાખનો ચુનો લગાવ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાંચ આગામી સમયમાં કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદમાં તપાસ શરૂ કરે તેવી શક્યતાઓ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાવનગરના તાંત્રિકે મદદ કરવાના બહાને વડોદરાની મહિલા પર દુષ્કર્મ આચર્યું