Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં બેંક ડિફોલ્ટરોના કેસો વધ્યા,એનપીએના 340 કેસો પેન્ડિંગ

અમદાવાદમાં બેંક ડિફોલ્ટરોના કેસો વધ્યા,એનપીએના 340 કેસો પેન્ડિંગ
, મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (12:38 IST)
બેંકોમાંથી લોન લઇને તે પરત ન કરવાના એનપીએના કેસોમાં ડિફોલ્ટરની મિલકત જપ્ત કરીને તેની હરાજી કરવા માટે વિવિધ બેંકો દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર સમક્ષ છેલ્લા ચારેક વર્ષમાં કુલ ૭૯૦ કેસોની અપીલ કરાઇ છે. જેમાંથી છેલ્લા ૧૨ માસમાં ૪૫૦ કેસોમાં ૬,૭૦૦ કરોડની મિલકત જપ્તીના આદેશ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. કલેક્ટર કચેરીમાં દર મહિને એનપીએના ૩૦ જેટલા કેસો નવા આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરીમાં હાલમાં એનપીએના કુલ ૩૪૦ કેસો પેન્ડિંગ છે. જેમાં આશરે ચારેક હજાર કરોડની મિલકત જપ્તીના આદેશ આગામી સમયમાં આપવામાં આવે તેવી ધારણા છે. 
આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડેના જણાવ્યા મુજબ એનપીએના ૪૫૦ કેસોમાં ૬,૭૦૦ કરોડની મિલકત જપ્ત કરીને તેની હરાજી થકી રિકવરી કરવાના આદેશો અપાઇ ગયા છે. રિકવરીનો આ આંકડો આખો દેશમાં સૌથી વધુ છે. અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન બેંક ડિફોલ્ટરના કેસો વધી રહ્યા છે. જેમાં વિવિધ બેંકો ડિફલ્ટરોએ મોર્ગેજમાં મુકેલી મિલકત જપ્ત કરવા માટે અને તેની હરાજી કરવા માટે કલેક્ટર સમક્ષ અપીલ કરતી હોય છે. આવા કેસમાં વારંવારની બેઠકો બાદ પણ કોઇ પરિણામ ન આવે તો તેવા કિસ્સામાં મિલકત જપ્તીના આદેશ આપી તેની હરાજી થકી બેંકને તેના પૈસા વસુલવાની છૂટ અપાતી હોય છે. 
કલેક્ટર કચેરી ખાતે મહિનામાં આવા ૩૦ જેટલા કેસો આવતા હોય છે. મહિનામાં બે વાર બોર્ડ બેઠક યોજાતી હોય છે. જેમાં આ કેસોના નિકાલ માટેની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. બેંક લોન પરત ન કરવાના કિસ્સામાં જે તે બેંક ડિફોલ્ટરને વર્ષ ૨૦૦૨ના એનપીએના કાયદા હેઠળ કલમ ૧૩/૨ ની નોટિસ ફટકારે છે. જેમાં ૬૦ દિવસનો સમય અપાય છે. તો પણ કોઇ જવાબ ન મળે તો બેંક કલમ ૧૪ હેઠળ ડિફોલ્ટરની મોર્ગેજમાં મુકેલી મિલકત જપ્ત કરવા માટે અને તેની હરાજી કરવા માટેની મંજૂરી આપવા માટે કલેક્ટર સમક્ષ અપીલ કરતી હોય છે. જેમાં બેંકો આ રીતે હરાજી કરીને તેના પૈસા ડિફોલ્ટરો પાસેથી વસુલતી હોય છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બ્રિટિશ સરકારે પણ માલ્યાના ભારત પ્રત્યર્પણની મંજુરી આપી, નિર્ણય વિરુદ્ધ અપીલ કરશે માલ્યા