ખેડાના હરિયાળા ગામ પાસે એક વેર હાઉસના ગોડાઉનમાં એકાએક આગ લાગતાં ભારે અફરાતફરી મચી છે. બુધવારે સવારે આ ઘટના બનતા નડિયાદ અને ખેડાની ફાયર બ્રિગેડ ટીમ દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ખેડા તાલુકાના હરિયાળા ગામની સીમ તાબે બેટડીલાટમાં આવેલ વેરહાઉસના ગોડાઉનમાં બુધવારે સવારે કોઈ કારણોસર આગ લાગી હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આગના ગોટેગોટા અડધા કીમી દૂરથી દેખાવા લાગ્યા હતા.
બનાવની જાણ ખેડા ફાયર બ્રિગેડને તેમજ એ બાદ નડિયાદ ફાયર બ્રિગેડને કરાતા ફાયરબ્રિગેડના જવાનો વોટર બ્રાઉઝર સાથે દોડી આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હાલ સુધી આગ કાબૂમાં આવી નથી. બનાવના પગલે આ વેરહાઉસમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અંદર ધુમાડો હોવાથી ગોડાઉનની દીવાલો તોડી આગને કાબૂમાં લેવા ફાયર કર્મચારીઓ પ્રયાસ કરી રહ્યા છે.
ફાયરબ્રિગેડનાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ લોજિસ્ટિકના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર સતત વોટર બ્રાઉઝર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આગ લાગવાના બે કલાક બાદ પણ આગ કન્ટ્રોલમાં આવી ન હતી. જેથી ખેડા, નડિયાદ, ONGC ખેડા અને અમદાવાદના ફાયરબ્રિગેડ કર્મીઓની મદદ લેવાઈ હતી. જોકે, હાલ આગ પર 70 ટકા જેટલો કાબૂ મેળવી દેવાયો છે. કોઈ જાનહાનિ સર્જાઈ નથી.