ભુજથી કચ્છને જોડતા મુખ્ય હાઇવે પર ઓવરબ્રિજનું બાંધકામ 10 વર્ષ બાદ પૂર્ણ થયું છે. ગુરુવારે ગુજરાત સરકારના માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ આ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. ભુજથી ભચાઉ (ભુજ-અમદાવાદ હાઇવે)ને જોડતા હાઇવે પર ભુજોડી ઓવરબ્રિજ બનાવવાનું કામ 2012માં શરૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ વતી આ ઓવરબ્રિજ બનાવવાની જવાબદારી વાલેચા ગ્રુપને આપવામાં આવી હતી. શરૂઆતમાં તેની કિંમત 256.94 કરોડ રૂપિયા હતી, પરંતુ માત્ર ત્રણ વર્ષમાં એટલે કે 2015માં ફંડના અભાવે આ ઓવરબ્રિજનું કામ અટકી ગયું. કામ બંધ થયા બાદ કચ્છની જનતાએ આ મુદ્દે રાજકારણીઓ અને ભાજપ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે લોકોની નારાજગી બાદ આ પ્રોજેક્ટની કિંમત વધારી દેવામાં આવી હતી જેના કારણે ખર્ચની રકમ 330.94 કરોડ સુધી પહોંચી ગઈ હતી. તેમ છતાં ઓવરબ્રિજનું બાંધકામ ધીમી ગતિએ ચાલુ રહ્યું હતું. હવે 10 વર્ષ બાદ ભુજોડી ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. બીજી તરફ પ્રોજેક્ટમાં વિલંબ માટે સ્થાનિક લોકોએ સરકારની ટીકા કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે એક મુખ્ય હાઈવેને જોડતો ઓવરબ્રિજ બનાવવામાં સરકારને 10 વર્ષ લાગ્યાં.
ઉલ્લેખનીય છે કે 2012 અને 2013ની વિધાનસભાની ચૂંટણી અને 2014 અને 2015ની લોકસભાની ચૂંટણીમાં ભુજોડી ઓવરબ્રિજ કચ્છનો મુખ્ય મુદ્દો રહ્યો હતો પરંતુ કોઈ ધારાસભ્ય કે મંત્રીએ પ્રજાના આ પ્રશ્નનો જલ્દી ઉકેલ લાવવાનું વિચાર્યું નથી.