અતિભારે વરસાદમાં ઓવરબ્રિજ તૂટી પડતાં હિમાચલ પ્રદેશમાં મણિમહેશની યાત્રાએ ગયેલા અંદાજે 10 હજાર યાત્રિકો અટવાઇ ગયાં છે, તો ગુજરાતના 400થી વધુ યાત્રીઓ ફસાયા છે. આ ઘટના વિશે વાત કરીએ તો, અમદાવાદના 40, રાજકોટ, સુરત અને જામનગર સહિત ગુજરાતના 400થી વધુ યાત્રીઓ ફસાયા છે. હાલની પરિસ્થિતિને જોઇ તંત્રે ડેલહાઉસીથી જ યાત્રા અટકાવી દીધી છે.
મહત્વનું છે કે જન્માષ્ટમીથી રાધાષ્ટમી સુધી ભરમોર પાસે આવેલા મણિમહેશની યાત્રાનું મહત્વ રહેલું છે. ભરમોર પાસે અતિભારે વરસાદમાં ઓવરબ્રિજ તૂટી પડતાં મોટી સંખ્યામાં યાત્રીઓ ત્યાં ફસાયા છે. વડોદરાનાં 10 મુસાફરોએ ત્યાં એક રાત કારમાં જ વિતાવવી પડી હતી. આ ઘટનામાં વડોદરાના ફસાયેલા 10 યાત્રીઓનાં નામ સામે આવ્યા છે. જેમાં મનોજ પટેલ, માણેજા, દક્ષા પટેલ, માણેજા, જીતુ પટેલ, અમિતનગર, જાગૃતિ પટેલ, અમિતનગર ભૂપેન્દ્રભાઇ પંચાલ, અલકાપુરી નરેન્દ્ર ભાઉ, અલકાપુરી, રાજેશ મિસ્ત્રી, અલકાપુરી, ભરત પંચાલ, રાવપુરા, પ્રકાશ પટેલ, રાવપુરા, સુભાષ ટેલર, કારેલીબાગનો સમાવેશ થાય છે.
હિમાચલપ્રદેશનાં ભરમોરમાં પ્રસિદ્ધ મણિમહેશ તીર્થ આવેલું છે. ચંબાથી 82 કિલોમીટર દૂર મણિમહેશમાં ભગવાન ભોલેનાથ મણિના રૂપમાં દર્શન આપે છે તેથી તેને મણિમહેશ કહેવાય છે. મણિમહેશની યાત્રા મીની કૈલાશ યાત્રા પણ કહેવાય છે. કૈલાશની બરાબર પાછળ 18500 ફૂટની ઉંચાઇનો પર્વત આવેલો છે. આ સ્થળે તળાવમાં સ્નાન કરવાનું મહત્વ છે. જન્માષ્ટમી અને રાધાષ્ટમી એમ બે દિવસ શાહી સ્નાન થાય છે.