ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને રૂપિયાની હેરફેર થવાનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે.આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યભરમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જેના પગલે રોકડા રૂ. 50હજારથી વધુની હેરાફેરી પણ કરી શકાય નહીં એવી ચૂંટણી કમિશનની ગાઈડલાઈન સ્પષ્ટ કરવામાં આવી છે. નવસારીમાં કારમાં રોકડા રૂ. 20 લાખ અને 3650 પાઉન્ડ સાથે ગ્રામ્ય પોલીસે નવસારીના યુવાનની શંકાના આધારે અટક કરી હતી. જોકે પોલીસમાં કોઈ કેસ બનતો ન હોવાથી પોલીસે આ કેસ ઈન્કમટેક્સ વિભાગને સુપરત કરી દીધો હોવાની વિગત સાંપડી છે.
બારડોલીથી નવસારી તરફ આવતી એક કાર (નં. જીજે-21-એએ-6279)ને ગુરૂકુલ સુપા ચાર રસ્તા પાસે પોઈન્ટ ઉપર રોકી ગ્રામ્ય પોલીસે તેમાં તપાસ કરી હતી. એ વખતે કારમાંથી 2000ની ચલણી નોટના રૂ. 20 લાખ જેટલી માતબર રકમ મળી આવી હતી. આ ઉપરાંત 3650 પાઉન્ડ પણ મળી આવ્યા હતા. પોલીસે કારચાલક પ્રદીપ પટેલની શંકાના આધારે અટક કરી હતી. તેમની સાથે કારમાં અન્ય ત્રણ વ્યકિત પણ હતા. જોકે પ્રદીપ પટેલે પોતે ફોરેન મની એક્સચેંજના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું અને તેની બારડોલી ખાતે ઓફિસ ચાલતી હોવાનું પોલીસને જણાવ્યું હતું. ઉપરાંત રોકડા રૂ. 20 લાખ તેના ભાઈ પાસેથી લાવ્યો હોવાનું જણાવતા પોલીસે આ સંદર્ભે ચૂંટણી વિભાગ અને ઈન્કમટેક્સ વિભાગને જાણ કરી હતી અને આ કેસ ઈન્કમટેક્સ વિભાગને સુપરત કરી દીધો હતો.