ગુજરાત હાઈકોર્ટમાં સુરત એરપોર્ટ એક્ટીવ એક્શન કમિટીએ સુરતને એર કનેક્ટિવીટી અપાવવા માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. જેને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે એરપોર્ટ ઓથોરીટી તેમજ ગવર્મેન્ટ ઓથોરીટીને નોટિસ આપી છે. હાઈકોર્ટમાં એરપોર્ટ એક્ટીવ એક્શન કમિટીના કન્વીનર સંજય ઈઝવા દ્વારા કરવામાં આવેલી પીઆઈએલમાં સુરતમાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતા વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવી સુવિધાઓ મળેલી નથી. સુરત સાથે સીધો અન્યાય થઈ રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
દેશમાં સુરત આઠમાં સ્થાને આવતુ શહેર છે. વિશ્વભરમાં ૮૦ ટકા ડાયમંડ સુરતમાંથી પોલિશ્ડ થઈને જાય છે. આ સિવાય સુરતનું કાપડ માર્કેટ પણ વિશ્વભરમાં જાણીતુ છે. રોજનો કરોડોનો વેપાર સુરતમાંથી દેશના અન્ય રાજ્યો સાથે થતો હોય છે. તેમ છતા સુરતને એર કનેક્ટિવીટી આપવા સતત અવગણના કરવામાં આવી રહી છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) હેઠળના ૯ એરપોર્ટોમાંથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. બાકીના વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર, ભૂજ, કેશોદ, કંડલા અને ડીસાના ડોમેસ્ટિક એરપોર્ટો છે, જેમાંથી કેશોદ અને ડીસાના એરપોર્ટ પરથી કોઈ નિર્ધારીત વિમાન સેવાઓ નથી. આ સિવાય સુરતની વાત કરીએ તો સુરતમાં પણ માત્ર બે ફ્લાઈટ ચાલી રહી છે. જ્યારે સુરત સિવાયના ડોમેસ્ટિક એરપોર્ટની વાત કરીએ તો સુરતની સરખામણીએ ત્યાં વધુ સુવિધાઓ છે.
સુરત એરપોર્ટ શરુઆતથી જ સતત વિવાદનું ઘર બન્યો છે. પહેલા માંડ બે ફ્લાઈટ શરુ કર્યા બાદ ફ્લાઈટ વધારવાની જગ્યાએ વર્ષ ૨૦૧૪માં બનેલી ઘટના બાદ બે વર્ષ સુધી એરપોર્ટ પર તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. એરપોર્ટ પર કોઈ સુરક્ષા નહીં હોવાથી ભેંસ રન વે પર આવી જતા મોટી દુર્ઘટનાના કલંકમાંથી સુરત બચી ગયુ હતુ. પરંતુ આ શરમજનક ઘટનાથી કોઈપણ કંપની સુરતથી ફ્લાઈટ ઉડાવવા માટે રાજી નહીં હતી, ત્યારબાદ અનેક રજુઆતો થતા અને એરપોર્ટની સુરક્ષાની ગેરેન્ટી આપવામાં આવતા ફરી બે ફ્લાઈટની સુવિધા શરુ કરવામાં આવી છે.