Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિક્ષક દિનની અલગ રીતે ઉજવણી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

શિક્ષક દિનની અલગ રીતે ઉજવણી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય
, શનિવાર, 30 ઑગસ્ટ 2014 (13:01 IST)
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ ઉજવાતા શિક્ષકદિનની આ વર્ષે અલગ રીતે ઉજવણી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર સંચાલિત તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં માત્ર એક દિવસ નહીં પરંતુ સપ્ટેમ્બર માસના પ્રથમ પાંચ દિવસની જ્ઞાન સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવશે.

તા. ૧ સપ્ટેમ્બરને સ્વચ્છતા દિન તરીકે ઉજવવામાં આવશે જે દિને શાળાના સંકુલની સામૂહિક સફાઈ, પ્રાથમિક શાળાના સુશોભન કાર્યક્રમ, વર્ગ સુશોભન હરીફાઈ, વિજ્ઞાન પ્રયોગ અને સામાન્ય જ્ઞાન ક્વીઝ જેવી સ્પર્ધાઓના કાર્યક્રમો કરાશે. આ કાર્યક્રમમાં વિવેકાનંદ યુવક મંડળ દ્વારા ગામેગામ સંપૂર્ણ ગામની સફાઈ અને સ્વચ્છ ગામ અભિયાન શરૂ કરાશે. જેમાં ગ્રામજનો, ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગામના ચાલતા મહિલા જૂથની બહેનો શાળાના શિક્ષકો અને તમામ સ્થાનિક સરકારી કર્મચારી / અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાશે.

૨જી સપ્ટેમ્બર : સમૃદ્ધિ દિન : શાળાના ઓરડાની મંજૂરી, વધારાના ઓરડા, કમ્પાઉન્ડ વોલ, સેનીટેશનનું કામ, વર્ગખંડનું કામ વગેરેની વહીવટી મંજૂરી રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ ત્વરિત આપવાની રહેશે. તદુઉપરાંત શાળાઓમાં સમૂહ વાંચન, વિદ્યાર્થીઓ દ્વારા વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, કાવ્ય વાંચન, ચેસ, કેરમ, યોગાશન, દેશભક્તિના ગીતો, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અન્ય મહાનુભાવો વિશેનું વાંચન વગેરે બાબતોનું આયોજન કરાશે.

૩જી સપ્ટેમ્બર : સ્વ શિક્ષણ દિન: શાળાનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે તેમજ શાળાઓનું શૈક્ષણિક કાર્ય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે તેવું આયોજન ગોઠવાશે. વિવિધ વિષયોના શિક્ષણ કાર્ય માટે શાળાના આચાર્ય / શિક્ષકો, વિદ્યાર્થીઓને પૂર્વ તૈયારી કરાવશે. વધુમાં આ દિવસે મોક-મોડેલ ટીચીંગ, વિવિધ વિષયો ઉપર શૈક્ષણિક માર્ગદર્શન જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.-

૪થી સપ્ટેમ્બર : સમુલ્લાસ દિન: પ્રભાત ફેરી જેમાં વ્યસન મુક્તિ અભિયાનનો સમાવેશ કરાશે. આ દિવસે શાળામાં ગામમાં - પંચવટી વગેરેમાં વ્ાૃક્ષારોપણના કાર્યક્રમ કરવા શાળામાં વેશભૂષા, હરીફાઈ, દેશભક્તિના સમૂહગીતો, એકપાત્રીય અભિનય, ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરાશે.

૫મી સપ્ટેમ્બર : સન્માન દિન: શિક્ષક સન્માન દિને ઋણાનુબંધ કાર્યક્રમ યોજાશે જેમાં નિવ્ાૃત્ત શિક્ષકોને શાળામાં નિમંત્રણ આપીને ગુરુવંદના કાર્યક્રમનું આયોજન થશે. ઉપરાંત શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ પણ યોજાશે. આ કાર્યક્રમમાં ગ્રામજનો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો હાજર રહેશે.



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati