ગુજરાત ક્યારેય ઝૂકશે નહી - નરેન્દ્ર મોદી
, સોમવાર, 14 મે 2012 (10:45 IST)
કેન્દ્ર પર આકરો હુમલો કરતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સત્યને અવગણવાના પ્રયાસો છતાં પણ ગુજરાત ક્યારેય ઝૂકશે નહીં. અમદાવાદ ખાતે એક કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે, ગુજરાતના વિકાસનો ડંકો વિદેશમાં પણ વાગી રહ્યો છે પણ કેટલાક લોકોને આ વિકાસ દેખાતો નથી. વિપક્ષ દ્વારા સત્યનું ગળું ઘોંટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં બાજખેડાવાળા અને સમાજ કેળવણી અને સંસ્કૃતિ મંડળના ષષ્ઠીર્પૂર્તિ પર્વ સમારોહમાં મોદીએ કહ્યું કે, 'છેલ્લા દસકામાં અમે અનેક અવરોધો, વિરોધ વચ્ચે રાજ્યનો દરેક ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે. અનેક અડચણો છતાં વિકાસના પથથી વિચલિત થયા નથી. પરંતુ આ વિકાસ કેટલાકને દેખાતો નથી અને કેટલાકને એ જોવો નથી. આનો ઇલાજ હવે પ્રજાએ કરવાનો છે.'તેમણે કહ્યું કે, 'રાજ્યના સત્યને રૂંધવા માટેના અને સત્વને બદનામ કરવાના અનેક પ્રયાસો ચાલી રહ્યા છે પણ અમે વિકાસનો માર્ગ તજ્યો નથી. ત્યજવાના નથી. ગુજરાતમાં વિકાસની તકો અગાઉ પણ હતી, કોઇને સુજ્યુ નહોતું. અમને દેખાયું અને આજે ગુજરાત વિકાસની નવી ઊંચાઇએ પહોંચ્યું છે. દેશ અને દુનિયા તેની અનુભૂતિ કરે છે પરંતુ કેટલાકને વિકાસ દેખાતો નથી, કેટલાકને જોવો નથી,''
છેલ્લા દસ વર્ષમાં અમે એમના ખોદેલા ખાડા પૂરવા સાથે વિકાસ સાધ્યો છે. અનેક અવરોધો અને અસહકારના વાતાવરણ વચ્ચે આ સરકારે ગુજરાતના વિકાસનો માર્ગ છોડયો નથી. ગુજરાતે કૃષિ ક્ષેત્રે ૧૧ ટકાનો વિકાસ કર્યો છતાં એ કોઇને દેખાતું નથી.' તેમ તેમણે ઉમેર્યું હતું.