ગુજરાતના વિશ્વમાં સુપ્રસિદ્ધ થયેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં હાલમાં ભાદરવી પૂનમના મેળાની ઉજવણી ચાલી રહી છે. અંબાજીમાં અત્યાર સુધીમાં 20 લાખથી વધુ માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યાં છે અને અમદાવાદ તથા ગોધરાથી 52 તથા 104 ગજની ધજા પણ મા અંબાને અર્પણ કરવામાં આવી છે. આ મેળામાં શાંતિ અને સૌહાર્દની ભાવના પણ જોવા મળી છે. સાબરકાંઠાંમાં મુસ્લિમ બિરાદરોએ પગપાળા ચાલીને જતા માઈ ભક્તોને ભોજન પીરસીને એક અનોખી કોમી એકતાનો દાખલો બેસાડ્યો હતો. ત્યારે અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળામા દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો માં અંબાના ચરણોમાં યથાશક્તિ દાન કરી રહ્યાં છે. ત્યારે મેળાના ત્રીજા દિવસે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને મળતા દાન ભંડારાની ગણતરી કરવામાં આવી. જેમાં ત્રણ દિવસમાં અંબાજી મંદિર ટ્રસ્ટને આશરે એક કરોડનુ દાન મળ્યું છે. ભંડારાની ગણતરી 16 જેટલા સીસીટીવી કેમરા હેઠળ કરવામાં આવી હતી. ત્યારે બાકી રહેલા દિવસોમાં આ આંકડો વધે તેવી શક્યતા છે.