Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિકના ઉપવાસ સામે પાટીદારોની એકતામાં અંદરો અંદર વિરોધ પ્રવર્ત્યો

હાર્દિકના ઉપવાસ સામે પાટીદારોની એકતામાં અંદરો અંદર વિરોધ પ્રવર્ત્યો
, મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (12:39 IST)
પાસના કન્વીનર હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટથી આમરણ ઉપવાસની જાહેરાત કરી દીધી છે પરંતુ ૨૦૧૫માં જીએમડીસી મેદાન ખાતે હાર્દિકને ઉપવાસની મંજૂરી આપ્યા બાદ જે બનાવો બન્યા હતા તેને ધ્યાનમાં રાખીને પોલીસ કે વહીવટી તંત્ર ફરી વખત મંજૂરી આપવાના મૂડમાં નથી. અમદાવાદમાં રવિવારે નિકોલ ખાતે એક દિવસના પ્રતીક ઉપવાસનો પ્રયાસ કરતા હાર્દિકની અટકાયત કરી લેવાઇ હતી તે પછી હવે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ માટે મામલતદારને અરજી કરીને મંજૂરી માગી છે. જો ત્યાં મંજૂરી ના મળે તો હાર્દિકે છેલ્લે પોતાના એસજી હાઇવે નજીકના નિવાસસ્થાને પણ ઉપવાસ કરવા તૈયારી શરૂ કરી છે. 
બીજી તરફ, કેટલાક પાટીદાર સંગઠન અને પાસના જ પૂર્વ અગ્રણીઓ દ્વારા જ હાર્દિકના ઉપવાસ કાર્યક્રમની આકરી ટીકા કરાઇ રહી છે. સોશિયલ મીડિયામાં પણ હાર્દિકને વિવિધ મુદ્દે ઝાટકણી કાઢવામાં આવી રહી છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ અંગ્રેજ સરકારની જેમ વર્તી રહી છે. એકતરફ પોલીસ કે વહીવટી તંત્ર ઉપવાસની મંજૂરી આપી રહ્યું નથી. જો બહાર ઉપવાસ કરવાથી અશાંતિ ફેલાતી હોય તો હું મારા વૈષ્ણોદેવી નજીકના ઘરે જ ઉપવાસ કરવા માટે તૈયાર છું. મારા ઘરે  ઉપવાસ કરવાનો મને હક છે અને તંત્ર રોકી શકે નહીં. હાર્દિકે પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દે ઉપવાસનું એલાન કરેલું છે. 
ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરનારા કોઇપણ લોકોને ઉપવાસ કે રેલી માટે મંજૂરી અપાતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લા પાસ દ્વારા મામલતદારને અરજી કરીને ૨૫મીથી માઇક-મંડપ સાથે આમરણાંત ઉપવાસની મંજૂરી માગવાનો વ્યૂહ અપનાવાયો છે. અમદાવાદ નહીં તો ગાંધીનગર કે છેવટે પોતાના ઘરે પણ ઉપવાસ સ્થળ માટે મરણિયા પ્રયાસ શરૂ કરાયા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘ દ્વારા ૨૫મીના ઉપવાસની જાહેરાત પહેલા જ ૧૯ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી સભા-સરઘસ યોજવા ઉપર કલમ-૧૪૪નો ઉપયોગ કરીને પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેમાં ચારથી વધુ વ્યક્તિ ભેગા થઇ શકશે નહીં. તેના કારણે હવે જો હાર્દિક પોતાના ઘરે પણ ઉપવાસ કરશે અને પાસના કાર્યકરો ભેગા થશે તો પોલીસને તેમની અટકાયત કરવાની સત્તા મળી છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં 26 ઓગષ્ટથી 24 ઓક્ટો. સુધી 144 કલમ લાગુ, પોલીસ કમિશ્નરનું જાહેરનામું