Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જુનાગઢમાં નવરાત્રી 15 દિવસ ચાલે છે, પોરબંદરમાં ગાંધી ટોપી પહેરીને રાસ રમે છે

જુનાગઢમાં નવરાત્રી 15 દિવસ ચાલે છે, પોરબંદરમાં ગાંધી ટોપી પહેરીને રાસ રમે છે
, શનિવાર, 27 સપ્ટેમ્બર 2014 (15:27 IST)
ગુજરાતના ખુણે ખુણે નવરાત્રીની આગવી રીતે ઉજવણી થાય છે. ક્યાંક વળી માત્ર પુરુષો જ રાસ રમે છે, તો ક્યાંક માતાજીને બદલે રામાપીરના ગરબા યોજાય છે. ક્યાં કેવી રીતે નોરતા ઉજવાય એ જોઈએ તો ખરેખર એમ લાગે કે નવરાત્રીનો તહેવાર અનેક રંગોમાં ફેલાયેલો છે.

સામાન્ય રીતે નવરાત્રી નવ રાત સુધી ચાલતાં હોય છે, પણ જૂનાગઢમાં નરસિંહ મહેતાના ચોરા પાસે પંદર દિવસ સુધી ગરબા લેવાય છે. એકમથી નોમને બદલે અહીંની ગરબી એકમથી છેક શરદ પૂનમ સુધી ચાલે છે. આઠેક દાયકાથી ચાલી આવતી આ પરંપરાના મૂળમાં એક મુસ્લિમ સાશકનો પ્રેમ રહેલો છે. ૮૦ વર્ષ પહેલા મહેમૂદશાહ બાવા નામના મુસ્લિમ સાશક અહીં આવેલા. તેમણે ખુશ થઈને ગરબા ૧૫ દિવસ સુધી ઉજવવાનું ફરમાન કરી દીધું હતું. ત્યારથી અહીં દર વર્ષે ૧૫ દિવસ ગરબા યોજાય છે. એકમના દિવસે ગરબાનો પ્રારંભ કરતાં પહેલા નજીકમાં આવેલી મહેમૂદશાહની દરગાહ પર ચાદર પણ ચડાવાય છે. એ પછી જ નવરાત્રીનો પ્રારંભ થાય છે. પરંપરાથી પ્રસિદ્ધિ પામેલા આ ગરબા જોકે કેટલીક સમસ્યાઓને કારણે હવે આ વર્ષથી ૧૫ દિવસ સુધી ન ચલાવાય એવી શક્યતા છે.

ગાંધીજીના ધામ પોરબંદરમાં ગાંધીજીને શોભે એ રીતે પુરુષો માથે ગાંધીટોપી પહેરીને રાસ રમે છે. નવ દાયકાથી રમાતી આ દેશી ગરબીમાં વળી માઈક કે ઓરકેસ્ટ્રાનો ઉપયોગ કરવાને બદલે ઢોલ, મંજીરા, પગ-પેટી વાજું જેવા પરંપરાગત વાદ્યોનો ઉપયોગ થાય છે. ભદ્રકાળી માતાના મંદિરે યોજાતી આ ગરબી ખાસ્સી લોકપ્રિય છે, એટલે લોકો દાંડિયારાસમાં જવાને બદલે માથે ટોપી પહેરી રમવા આવી પહોંચે છે. જોકે ટોપી પહેરવા પાછળ ગાંધીજી નહીં પણ માતાજી પ્રત્યેનું માન કારણભૂત છે! હિન્દુ પરંપરા પ્રમાણે માતાજી સામે ઉઘાડા માથે જવું એ તેમનું અપમાન છે. માટે રાસ લેનારા બધા ખાસ પ્રકારની ટોપી પહેરીને જ રાસમાં શામેલ થાય છે.

અમરેલીના સાવરકુંડલા પાસે આવેલા જીરા-સિમરનમાં દર વર્ષે ભાદરવા મહિનાના આરંભે નોરતા યોજાય છે. એ નવરાત્રી વળી માતાજીની નહીં રામાપીરની કહેવાય છે. દર વર્ષે અહીં ભાદરવો માસ શરૃ થાય ત્યારે આ નવરાત્રી યોજાય છે. એ પુરી થાય પછી વળી પરંપરાગત નવરાત્રીની ઉજવણી તો થાય જ છે. એટલે અહીંના લોકોને વર્ષમાં બે વખત નવરાત્રીનો લાભ મળે છે. મહેસાણા જિલ્લાના મેવડમાં વર્ષોથી નવરાત્રીની દાંડિયા-રાસ દ્વારા ઊજવણી જ નથી થતી. અહીં નવરાત્રી દરમિયાન રાસને બદલે નવેનવ દિવસ ભવાઈ વેશ યોજાય છે. બાજુમાં આવેલા જગુદણ ગામના નાયક પરિવાર માથે આ ભવાઈ વેશની જવાબદારી છે. જવાબદારી એટલે એવી જવાબદારી કે ભવાઈવેશ માટે પુરતા કલાકારો ન હોય તો બહારથી કલાકારો બોલાવીને પણ ભવાઈવેશ ભજવવાની જવાબદારી આ પરિવારે પુરી કરવી જ પડે.

સૌરાષ્ટ્રના ઊનામાં આવેલા કોળીવાડા વિસ્તારમાં માત્ર પુરુષો જ ગરબી રમે છે. અહીંના કનકેશ્વરી માતાના ચોકમાં ક્યારેય સ્ત્રીઓ રાસ લેતી જોવા મળતી નથી. પાટણ જિલ્લાના સરહદી વિસ્તાર હારીજમાં વળી પડઘમ કહેવાતો દેશભક્તિથી છલોછલ રાસ લેવાય છે. નવરાત્રીના આઠમા દિવસે લેવાતો પડઘમ લેવા માટે વિશિષ્ટ પ્રકારની આવડત અને શારીરિક ચુસ્તીની જરૃર પડે છે. પડઘમના ગાયનમાં વારા પ્રમાણે પાકિસ્તાનથી માંડીને દેશની વર્તમાન સમસ્યાઓ પણ વણી લેવામાં આવે છે. જેમ કે, પડઘમ વાગે ને દેશ જાગે..., પડઘમ વાગે ને પાકિસ્તાન ભાગે....

જામનગર જિલ્લાના જામજોધપુર અને જામખંભાળિયા પંથકમાં યુદ્ધની રણભેરી વાગતી હોય એવા ચારણરાસ લેવાય છે. સામ-સામ પુરુષો દ્વારા લેવાતા આ રાસ મૂળ તો યુદ્ધની તાલિમ છે, પણ આખુ વર્ષ તો લડવાનું હોય એટલે કાળક્રમે એ આરોહ-અવરોહનું રાસમાં રૃપાંતર થયું છે. બબ્બે ઢોલ અને બબ્બે શરણાયુંના સૂર સાથે લાંબા સાદના મણિયારાથી રાસનો આરંભ થાય છે. દ્રુત ગતિમાં ચાબખી (એક પ્રકારની રમત), ફૂદરડી, સામસામી પલાંઠી વાળીને બેસીને ચાલુ રમતમાં તાલપલટા વગર ઊંચા કુદકાની ઠેક લેવાય છે. છેક તેરમી સદીથી લેવાતો આ રાસ જોઈને શૂરવીરોના રૃવાંડા ઉભા થયા વગર નથી રહેતાં.

Share this Story:

Follow Webdunia gujarati