જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના એમએલસી સૂરજ રેવન્નાની હાસન પોલીસ દ્વારા અકુદરતી સેક્સ અને ગુનાહિત ધાકધમકી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
બીબીસી સંવાદદાતા ઈમરાન કુરેશીના જણાવ્યા અનુસાર ચેતન કેએસએ સૂરજ રેવન્ના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદી વિરુદ્ધ સૂરજ રેવન્નાના સહયોગી દ્વારા ખંડણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ફરિયાદી 27 વર્ષીય ચેતન કેએસ જેડીએસના એક કાર્યકર છે. તેમણે શરૂઆતમાં 21મી જૂને ડીજીપી અને અન્યને તેમની ફરિયાદ મોકલી હતી, પરંતુ બાદમાં 22મી જૂને હાસન પોલીસને ઈમેલ દ્વારા તેમની ફરિયાદ મોકલી હતી.
આ ફરિયાદ હોલેનારસીપુરા પોલીસને મોકલવામાં આવી હતી. ત્યારબાદ હાસન પોલીસે તેમને બોલાવ્યા હતા અને શનિવારે રાત્રે તેમની પૂછપરછ કરી હતી.
હાસનના પોલીસ અધિક્ષક મહમદ સુજીથાએ બીબીસીને જણાવ્યું હતું, ''તેમની (સૂરજ રેવન્નાની) ધરપકડ કરવામાં આવી છે.”
જોકે, સૂરજે હોલેનારસીપુરામાં આવેલા તેમના ગણિકાંડા ફાર્મમાં પત્રકારો સમક્ષ આરોપોને નકાર્યા હતા, જ્યાં કથિત રીતે ગુનો આચરવામાં આવ્યો હતો. તેમણે આ આરોપોને ''રાજકીય કાવતરું'' ગણાવ્યું છે.
સૂરજ રેવન્ના પ્રજ્વલ રેવન્નાના મોટા ભાઈ છે, જે હસાનના ભૂતપૂર્વ સંસદ સભ્ય હતા. પ્રજવલ રેવન્ના બળાત્કાર અને જાતીય શોષણના આરોપમાં જેલમાં છે. સૂરજ રેવન્ના પૂર્વ મંત્રી એચડી રેવન્ના અને ભવાની રેવન્નાના પુત્ર છે. એચડી અને ભવાની રેવન્ના બંને પ્રજ્વલ રેવન્ના સામે ફરિયાદ કરનાર મહિલાના અપહરણના કથિત કેસમાં આરોપી છે.
ચેતનના કહેવા પ્રમાણે, તે લોકસભા ચૂંટણીપ્રચાર દરમિયાન સૂરજ રેવન્નાને મળ્યા હતા. તેમણે કહ્યું, “અમે ટેલિફોન નંબરની આપલે કરી. ત્યારબાદ તેમણે મને 16મી જૂનના રોજ ગણિકાંડામાં તેના ફાર્મમાં મળવાનું કહ્યું.”
“હું તે દિવસે જ્યારે તેમને (સૂરજ રેવન્ના) મળ્યો ત્યારે તેમને મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. મારા વિરોધ છતાં પણ તેમને મારા કપડાં ઉતાર્યાં અને બળજબરીપૂર્વક સેક્સ કર્યું. તેમણે મને ધમકી પણ આપી હતી.”
ચેતને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ''જ્યારે મેં શિવકુમારને આ વિશે કહ્યું ત્યારે તેમણે મને સૂરજ પાસેથી નોકરી અને પૈસાનું વચન આપીને લલચાવવાનો પ્રયાસ કર્યો હતો.”
ચેતનની ફરિયાદ 22મી જૂને ઔપચારિક થઈ હતી. સુરજ રેવન્નાના સહયોગી શિવકુમાર એચએલએ અગાઉના દિવસે ફરિયાદ નોંધાવી હતી કે ચેતન અને તેના કાકાએ કથિત જાતીય સતામણી અંગે જાહેરમાં ખુલાસો કરવાની ધમકી આપીને ત્રણ કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો પ્રયાસ કર્યો હતો.
શિવકુમારે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે પોતાને નોકરી મળે તે માટે ચેતને મને સૂરજ રેવન્ના સાથે વાતચીત કરવા માટે કહ્યું હતું.