મધ્યપ્રદેશના ધાર્મિક શહેર ઉજ્જૈનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક ગ્રાહકે સેવ-ટામેટાનું શાક ઓનલાઈન મંગાવ્યું હતું, પરંતુ જ્યારે તેણે પેકેટ ખોલ્યું તો તે આશ્ચર્યચકિત થઈ ગયો.
શાકભાજીના પેકેટમાંથી એક હાડકું મળી આવ્યું હતું. ઘટના બાદ ગ્રાહકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે ફૂડ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી, જે બાદ સંબંધિત હોટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, રાજગઢનો મનોજ ચંદ્રવંશી ઉજ્જૈનના ખાટી મંદિરમાં રહેતો હતો. મંગળવારે તેણે હરી ફાટક વિસ્તારમાં આવેલી હોટેલ ન્યૂ નસીબમાંથી ઝોમેટ એપ દ્વારા સેવ-ટામેટા શાક (શાકાહારી)નો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેણે પેકેટ ખોલ્યું તો તેમાં હાડકું જોયું, જે શાકાહારી વાનગીમાં શક્ય નહોતું. આ પછી મનોજે નીલગંગા પોલીસ સ્ટેશન અને ફૂડ વિભાગને આ અંગે ફરિયાદ કરી.